✕

NEET-PG પ્રવેશ-પ્રક્રિયામાં મોટા ફેરફારની તૈયારી : પર્સેન્ટાઇલને બદલે રૅન્ક આધારિત સિસ્ટમની ભલામણ

04 November, 2026 07:42 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

કોર્ટે તમામ અરજદારોને આ રિપોર્ટ પર જવાબ રજૂ કરવા સમય આપ્યો છે. 

પ્રતીકાત્મક તસવીર

નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ-ગ્રૅજ્યુએટ (NEET-PG) અને સુપર સ્પેશ્યલિટી (SS)ની પ્રવેશ-પ્રક્રિયામાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. મે ૨૦૨૬માં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું હતું કે તેમણે ડિરેક્ટર જનરલ ઑફ હેલ્થ સર્વિસિસના નેતૃત્વમાં ૧૨ સભ્યોની વિશેષજ્ઞ સમિતિની રચના કરી હતી. 

આ સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપીને ભલામણ કરી હતી કે મેડિકલ પ્રવેશ માટે હાલની પર્સેન્ટાઇલ પદ્ધતિ નાબૂદ કરીને હવેથી રૅન્ક આધારિત મેરિટ સિસ્ટમ લાગુ થવી જોઈએ. નૅશનલ મેડિકલ કમિશન (NMC)એ આ પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે જેનો અમલ ૨૦૨૭થી થવાની શક્યતા છે.

ગયા વર્ષે હજારો પોસ્ટ-ગ્રૅજ્યુએટ બેઠકો ખાલી રહેતાં નૅશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS)એ કટ-ઑફ ઘટાડીને ઝીરો (શૂન્ય) કરી દીધું હતું જેથી નેગેટિવ માર્ક્સવાળા વિદ્યાર્થીઓ પણ પાસ થઈ ગયા હતા. માત્ર ખાલી બેઠકો ભરવા માટે પ્રવેશનાં ધોરણો સાથે આવી બાંધછોડ ન થવી જોઈએ એવો મત સમિતિએ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત નૉન-ક્લિનિકલ કોર્સની ફી ઘટાડવા અને સર્વિસ બૉન્ડમાંથી મુક્તિ આપવા પણ ભલામણ કરાઈ હતી. કોર્ટે તમામ અરજદારોને આ રિપોર્ટ પર જવાબ રજૂ કરવા સમય આપ્યો છે. 

national news Education neet exam india