24 April, 2026 12:47 PM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં મતદાનકેન્દ્રની બહાર લાંબી લાઇનો જોવા મળી હતી.
પશ્ચિમ બંગાળમાં ગઈ કાલે વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન થયું હતું. કુલ ૨૯૫ બેઠકોમાંથી ૧૫૨ બેઠકો માટે ગઈ કાલે ૯૧.૭૮ ટકા મતદાન થયું હતું. આ તબક્કામાં જે બેઠકો પર મતદાન થયું છે એ રાજ્યમાં સત્તાની દિશા નક્કી કરનારા વિસ્તાર મનાય છે. ૩.૬૦ કરોડ મતદાતાઓએ ૧૪૭૮ ઉમેદવારોના ભવિષ્યનો ફેંસલો ગઈ કાલે કર્યો હતો. એમાં BJPના શુભેન્દુ અધિકારી અને TMCમાંથી છૂટા પડીને પોતાની નવી પાર્ટી શરૂ કરનારા હુમાયુ કબીરની કિસ્મતનો ફેંસલો પણ EVMમાં કેદ થઈ ગયો છે.
૨૦૧૬માં વિધાનસભાની ચૂંટણીમાં ૮૨.૬૬ ટકા અને ૨૦૨૧માં ૮૩.૧૭ ટકા મતદાન થયું હતું. બન્નેમાં તૃણમૂલ કૉન્ગ્રેસની સરકાર બની હતી. આ વખતે પહેલા તબક્કાના મતદાનમાં રેકૉર્ડબ્રેક ૯૧.૭૮ મતદાન થયું છે અને ૪ મેએ એનું રિઝલ્ટ આવશે. મમતા બૅનરજીએ વોટિંગ પછી કહ્યું હતું કે ‘હું બંગાળની જનતાને જેટલું સમજી શકી છું એ હિસાબે અમે જીતની સ્થિતિમાં છીએ. બંગાળની જનતાએ સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ના વિરોધમાં મતદાન કર્યું છે. મને કોઈ પદમાં રસ નથી, હું તો માત્ર દિલ્હીમાં BJP સરકારનો અંત ચાહું છું.’
જ્યારે અમિત શાહે સોશ્યલ મીડિયા પર કહ્યું હતું કે બમ્પર વોટિંગ એ TMCના ભ્રષ્ટાચાર અને ગુંડાગીરીનો સૂરજ ઢળી ગયાનો સંકેત છે.
પહેલા તબક્કાના મતદાનમાં અનેક જગ્યાએ BJP અને TMCના કાર્યકરો વચ્ચે હિંસક ઘટનાઓ બની હતી. તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરોએ વિરોધ પક્ષના ઉમેદવારો સાથે મારપીટ અને તોફાન કર્યાં હતાં. સિલિગુડીમાં પણ વોટિંગ દરમ્યાન BJP અને તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરો વચ્ચે હાથાપાઈ થઈ હતી. વિવાદ વધતાં સુરક્ષાબળોએ બન્ને પક્ષને શાંત કર્યા હતા. માલદામાં એક બૂથ પર EVM ખરાબ થવાથી હોબાળો મચ્યો હતો. બૂથની બહારના ચૂંટણી-અધિકારીઓને લોકોએ ઘેરીને માર માર્યો હતો, પરંતુ સુરક્ષાબળોએ અધિકારીઓને ભીડમાંથી છોડાવીને બૂથની અંદર મોકલી દીધા હતા.
કલકત્તામાં બીજા રાઉન્ડની તૈયારીમાં લાગ્યા અમિત શાહ
ગઈ કાલે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાના મતદાનમાં હિંસક તોફાનો થયાં હતાં. આ હાઈ વૉલ્ટેજ ડ્રામા ચાલતો હતો ત્યારે ગૃહપ્રધાન અમિત શાહ કલકત્તામાં જ હતા. પહેલા તબક્કાનું વોટિંગ એ બેઠકો પર છે જ્યાં BJPને ગયા વખતે સારી સફળતા મળી હતી, બીજા તબક્કાની બેઠકો તૃણમૂલ કૉન્ગ્રેસના પ્રભુત્વવાળી છે.