13 November, 2025 10:38 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે જમ્મુ અને કાશ્મીરમાં કુલગામમાં કેટલાક વિસ્તારોની ઘેરાબંધી કરીને સર્ચ ઑપરેશન હાથ દરાયું હતું, જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષા અધિકારીઓએ ગઈ કાલે કુલગામમાં પ્રતબિંધિત સંગઠન જમાત-એ-ઇસ્લામીના અડ્ડાઓ પર છાપામારી કરી હતી.
૧૦ નવેમ્બરે દેશની રાજધાનીમાં થયેલા બ્લાસ્ટ પછી પોલીસ અને તપાસ-એજન્સીઓએ રાત-દિવસ એક કરીને સંદિગ્ધ આરોપીઓની ધરપકડ શરૂ કરી છે. નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસમાં એ સાફ થઈ ગયું છે કે આ કોઈ દુર્ઘટના નહીં પરંતુ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક ખતરનાક ‘વાઇટ કૉલર ટેરર મૉડ્યુલ’નો હિસ્સો હતી. ધમાકો થયો એના થોડા કલાકો પહેલાં જ ફરીદાબાદમાંથી ૨૯૦૦ કિલો વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. કાશ્મીર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી સુધી ફેલાયેલા વાઇટ કૉલર ટેરર મૉડ્યુલમાં ભણેલા-ગણેલા ડૉક્ટરો સામેલ હતા. ઇસ્લામિક આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલું અન્સાર ગઝવત-ઉલ-હિન્દ સંગઠન પણ સામેલ હતું. NIA હવે આ હુમલા સાથેનું ટર્કી કનેક્શનની પણ તપાસ કરી રહી છે. કહેવાઈ રહ્યું છે કે સાથી ડૉક્ટરોની ધરપકડ થયા પછી ગભરાઈને ડૉ. ઉમર મોહમ્મદ નબીએ હડબડાટીમાં જ સુસાઇડ કારબ્લાસ્ટ કરી દીધો હતો.
અત્યાર સુધીમાં આ ૧૮ લોકોની ધરપકડ થઈ
ફરીદાબાદથી ડૉ. મુઝમ્મિલ શકીલ
સહારનપુરથી ડૉ. આદિલ મલિક
લખનઉ / ફરીદાબાદથી ડૉ. શાહીન શાહિદ
પુલવામાથી ડૉ. સજ્જાદ અહમદ ઉમરનો દોસ્ત
શોપિયાંથી મૌલવી ઇરફાન અહમદ
ગાંદરબલથી જમીર અહમદ
પુલવામાથી તારિક અહમદ ડાર
પુલવામાથી આમિર રાશિદ મીર
પુલવામાથી ઉમર રાશિદ મીર
પુલવામાથી કારડીલર તારિક મલિક
ગુજરાતથી સુલેમાન અને સોહેલ
ફરીદાબાદથી મસ્જિદનો ઇમામ હફીઝ મોહમ્મદ ઇશ્તિયાક
હરિયાણાના મૌલવીની પણ ધરપકડ
જમ્મુ અને કાશ્મીર પોલીસે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી કાર્યરત ‘વાઇટ કૉલર’ આતંકવાદી મૉડ્યુલના સંબંધમાં હરિયાણાના મેવાતથી એક મૌલવી ઇશ્તિયાકની પણ ધરપકડ કરી છે. મૌલવી ઇશ્તિયાકને શ્રીનગર લાવવામાં આવ્યો છે. તે ફરીદાબાદમાં અલ-ફલાહ યુનિવર્સિટી કૅમ્પસમાં ભાડાના મકાનમાં રહેતો હતો. પોલીસે તેના ઘરેથી ૨૫૦૦ કિલોથી વધુ અમોનિયમ નાઇટ્રેટ, પોટૅશિયમ ક્લોરેટ અને સલ્ફર જપ્ત કર્યાં છે. વિસ્ફોટકો મૌલવીના ભાડાના મકાનમાં ડૉ. મુઝમ્મિલ ગની ઉર્ફે મુસૈબ અને ડૉ. ઉમર નબી દ્વારા મૂકવામાં આવ્યા હતા. ડૉ. ઉમર નબીએ સોમવારે સાંજે લાલ કિલ્લાની બહાર વિસ્ફોટકો ભરેલી કાર ચલાવી હતી.
પૂછપરછ માટે અટક
ડૉ. ઉમરના પરિવારમાંથી તેની મમ્મી અને બે ભાઈઓ, ફરીદાબાદની અલ-ફલાહ મેડિકલ કૉલેજના ચાર લૅબ-ટેક્નિશ્યન, કાનપુરથી ૯ શંકાસ્પદ અને ફરીદાબાદ-દિલ્હીથી ૧૦ શંકાસ્પદ લોકો અને કાર ખરીદ-વેચવાળા ૩ લોકોની અટક કરીને તેમની પૂછપરછ ચાલી રહી છે.
૮ મૃતદેહોની ઓળખ થઈ
મૌલાના આઝાદ મેડિકલ કૉલેજના શબઘરમાં ૮ મૃતદેહોની ઓળખ થઈ છે. બધા ઓળખાયેલા મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. કેટલાક મૃતદેહોની ઓળખ હજી બાકી છે. કૉલેજના ફૉરેન્સિક નિષ્ણાતોના મતે કેટલાક લોકો ગંભીર ઈજાઓ અને વિસ્ફોટથી વધુ પડતા રક્તસ્રાવને કારણે મૃત્યુ પામ્યા હતા. કેટલાક મૃતદેહોમાં ક્રૉસ-ઈજા પૅટર્ન દેખાઈ, જેનો અર્થ એ છે કે વિસ્ફોટને કારણે લોકો દીવાલો અથવા જમીન સાથે અથડાયા હતા. આના કારણે ઘણા મૃતદેહોમાં હાડકાં તૂટી ગયાં હતાં અને માથામાં ઈજા થઈ હતી. કેટલાક મૃતદેહોમાં વિસ્ફોટને કારણે ફેફસાં, કાન અને પેટમાં નુકસાનનાં ચિહનો જોવા મળ્યાં હતાં. અત્યાર સુધીમાં ઓળખાયેલા ૮ મૃતદેહોમાં ૩૫ વર્ષના અમર કટારિયા, ૩૪ વર્ષનો અશોકકુમાર, ૩૫ વર્ષનો મોહસિન મલિક, ૩૫ વર્ષનો દિનેશ મિશ્રા, બાવન વર્ષના લોકેશકુમાર અગ્રવાલ, ૨૩ વર્ષનો પંકજ સૈની, ૧૯ વર્ષનો મોહમ્મદ નૌમાન અને ૩૫ વર્ષના મોહમ્મદ જુમ્મનનો સમાવેશ છે.
ટેલિગ્રામ એપ પર કો-આૅર્ડિનેશન થઈ રહ્યું હતું દેશભરમાં આતંકવાદી હુમલા કરવાનું
દિલ્હી કારબ્લાસ્ટની તપાસ કરી રહેલી એજન્સીઓનાં સૂત્રોનું જણાવવું છે કે આત્મઘાતી હુમલો કરનારો ડૉ. ઉમર મોહમ્મદ નબી લોકપ્રિય મેસેજિંગ ઍપ ટેલિગ્રામ પર કટ્ટરપંથી ડૉક્ટરોના ગ્રુપનો કો-ઑર્ડિનેટર હતો. ઉમર પાકિસ્તાનસ્થિત આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી મૉડ્યુલના મુખ્ય સભ્યો માનવામાં આવતા તેના બે સહયોગી ડૉક્ટરોની ધરપકડ બાદ તે ગભરાઈ ગયો હતો અને એથી તેણે લાલ કિલ્લા પાસે ઉતાવળે વિસ્ફોટ કરી દીધો હોવાનું માનવામાં આવે છે.
વિશ્વભરના લાખો વપરાશકર્તાઓ માટે ટેલિગ્રામ અન્ય કોઈ પણ સુરક્ષિત સોશ્યલ મીડિયા અથવા મેસેજિંગ ઍપ જેવું છે, પરંતુ આ એન્ક્રિપ્ટેડ ઍપ્લિકેશન એની પ્રાઇવસી પૉલિસીના કારણે સુરક્ષિત મેસેજિંગ પ્લૅટફૉર્મ તરીકે સ્થાન પામે છે. એ આતંકવાદ, ગુનાહિત પ્રવૃત્તિઓ, ખોટી માહિતી, બાળકોના જાતીય શોષણની સામગ્રી અને જાતિવાદી ઉશ્કેરણીનું કેન્દ્ર બની રહી છે.