19 February, 2026 09:47 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પતિ અને પત્ની
બૅન્ગલોરમાં એક એવી ઘટના ઘટી છે જેમાં એક પતિએ પત્ની પ્રત્યેના પ્રેમને કારણે તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ગઈ કાલે બૅન્ગલોર પાસે અવલાહલ્લી ગામમાં રહેતા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)ના ૬૫ વર્ષના નિવૃત્ત કર્મચારીએ પોતાની પત્નીનું ગળું ટૂંપીને હત્યા કરી હતી. અવલાહલ્લી પોલીસને આ બાબતની સવારે ૧૧ વાગ્યે જાણકારી મળી હતી.
૬૫ વર્ષના નાગેશ્વર રાવ ISROના નિવૃત્ત કર્મચારી છે. તેઓ ડિપ્રેશનમાં હોવાથી લાંબા સમયથી તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. તેમણે પોતાની પત્ની સંધ્યાનું ગળું ટૂંપીને તેનો જીવ લઈ લીધો હતો. એ પછી તેઓ પોતે પણ આત્મહત્યા કરવા માગતા હતા. પોલીસે કહ્યું હતું કે ‘પત્નીની હત્યા કર્યા પછી નાગેશ્વર રાવ ત્યાં ઘટનાસ્થળ પર જ રહ્યા હતા અને તેમણે કેટલાક ઓળખીતાઓનો સંપર્ક કરીને આ વાતની જાણ કરી હતી. તેમણે અમને સૂચિત કરતાં એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.’
નાગેશ્વર રાવના ઘરેથી જ પોલીસે તેમને પકડી લીધા હતા. પોલીસે તેમની પૂછપરછ કરતાં ભળતું જ કારણ જાણવા મળ્યું હતું. પોલીસે કહ્યું હતું કે ‘આરોપી ડિપ્રેશનમાં હોવાને કારણે તે પોતાની પત્નીની ચિંતા કરતો હતો. તેને ચિંતા હતી કે પોતાના મૃત્યુ પછી પત્નીના ભવિષ્યનું શું થશે? એ ચિંતાનો અંત લાવવા જ તેણે પોતાની હયાતીમાં જ પત્નીને મારવાનો ફેંસલો લીધો હતો. ’
કપલને એક દીકરી હતી જે અમેરિકા રહે છે.