જમ્મુ-કાશ્મીરમાં બીજેપીના પચીસ લાખ વોટર્સ વધશે?

19 August, 2022 09:06 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી અને નૅશનલ કૉન્ફરન્સને આશંકા છે કે પછી જમ્મુ-કાશ્મીરના લોકોને ઉશ્કેરવા માટે તેઓ આવો દાવો કરી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

જમ્મુ-કાશ્મીર અને લદાખના મુખ્ય ચૂંટણી અધિકારી હિરદેશ કુમાર સિંહે મતદાતા યાદીને લઈને બુધવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી, જેના પછી વિવાદ સર્જાયો છે. જેનું કારણ એ છે કે આ પ્રેસ કૉન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં મતદાતા બનવા માટે ત્યાંના મૂળ નિવાસી હોવું જરૂરી નથી. જેના પછી જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટીનાં વડા મેહબૂબા મુફ્તી રોષે ભરાયાં. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર બીજેપી માટે લૅબોરેટરી બની ગયું છે. રાજ્યમાં બહારથી બીજેપીના ૨૫ લાખ મતદાતાઓને લાવવામાં આવી રહ્યા છે. 
બીજી તરફ નૅશનલ કૉન્ફરન્સના નેતા તનવીર સાદિકે કહ્યું હતું કે બીજાં રાજ્યોના લોકો અહીં વોટ આપીને પોતાના રાજ્યમાં પાછા જતા રહેશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે પોતાનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે તેઓ પોતે ઉત્તર પ્રદેશના છે, પરંતુ તેઓ જમ્મુ-કાશ્મીરના મતદાતા બનવા ઇચ્છે તો બની શકે છે. કલમ ૩૭૦ને નાબૂદ કરવામાં આવ્યા બાદ મતદાતા બનવા માટે ભારતીય ચૂંટણી પંચની ગાઇડલાઇનનો દેશના અન્ય વિસ્તારોની જેમ જમ્મુ-કાશ્મીરમાં પણ અમલ કરાયો છે.

મતદાતાઓની સંખ્યામાં ૨૦થી ૨૫ લાખનો વધારો થઈ શકે છે. મુખ્ય ચૂંટણી અધિકારી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં મતદાતાઓની સંખ્યા અત્યારે ૭૬ લાખ છે, જે વધીને મતદાતા સૂચિ ફાઇનલ કર્યા બાદ એક કરોડ કરતાં વધી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં ૧૮ વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા લગભગ ૯૮ લાખ છે, જ્યારે નોંધાયેલા મતદાતાઓ માત્ર ૭૬ લાખ છે એટલે જ ફાઇનલ મતદાતા સૂચિ તૈયાર થશે ત્યારે મતદાતાઓની સંખ્યામાં અંદાજે ૨૦થી ૨૫ લાખનો ઉમેરો થશે. જમ્મુ-કાશ્મીરમાં તહેનાત જવાનો અને ત્યાં કામ કરતા પરપ્રાંતીય મજૂરો પણ ત્યાં મતદાન કરી શકશે. 

પહેલી વખત આધાર લિન્કની કામગીરી
મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે બૂથ લેવલના અધિકારી ઘરે-ઘરે જઈને મતદાતા સૂચિ તૈયાર કરવાનું કામ કરશે. ચૂંટણી પંચના આદેશ અનુસાર મતદાતા યાદીને પહેલી વખત આધાર કાર્ડની સાથે લિન્ક કરવાની કામગીરી પણ થશે. 

national news jammu and kashmir