✕

ભારતનાં ૯૬ બોઇંગ વિમાનોમાં લૅન્ડિંગ વખતે અચાનક ઑટો પાઇલટ સિસ્ટમ બંધ થઈ જવાનો ખતરો

29 September, 2026 10:27 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ભારતમાં ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને અકાસા ઍર દ્વારા ઑપરેટ થતાં અમેરિકન પેદાશનાં બોઇંગ 737 મૅક્સ પ્લેનોમાં એક ખાસ સ્થિતિમાં ઑટોમૅટેડ ફ્લાઇટ ગાઇડન્સ સિસ્ટમ બંધ થઈ જાય એવી ટેક્નિકલ ખામી સામે આવી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન વિમાન ઉત્પાદક કંપની બોઇંગનાં 737 મૅક્સ ઍરક્રાફ્ટ્સમાં વધુ એક ગંભીર સૉફ્ટવેર ખામી સામે આવી છે. આ ખામીને કારણે વિમાનના લૅન્ડિંગ વખતે અચાનક ઑટો પાઇલટ સિસ્ટમ કામ કરતી બંધ થઈ શકે છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં ઍર ઇન્ડિયા એક્સપ્રેસ અને અકાસા ઍરલાઇન મળીને આવાં ૯૬ વિમાનો ઑપરેટ કરે છે.

ઍર ઇન્ડિયા એક્સપ્રેસ પાસે ૫૩ જ્યારે અકાસા પાસે આવાં ૪૩ વિમાનો છે. બોઇંગ કંપનીએ એક નિવેદનમાં સ્વીકાર્યું છે કે એમણે ગયા મહિને જ તમામ ઍરલાઇન્સને આ સૉફ્ટવેરની ખામી વિશે જાણ કરી દીધી હતી. લૅન્ડિંગ વખતે કોઈ કારણસર પાઇલટ અપ્રોચ બદલે છે ત્યારે આ સિસ્ટમ અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. જોકે કંપનીનું કહેવું છે કે આવા સંજોગોમાં વિમાનને મૅન્યુઅલી સુરક્ષિત રીતે ઉડાડી શકાય છે અને આ ખામી દૂર કરવા નવું સૉફ્ટવેર અપડેટ તૈયાર થઈ રહ્યું છે.

અકાસા ઍરલાઇને જણાવ્યું છે કે તેઓ બોઇંગ સાથે સંપર્કમાં છે અને આ ખામીથી એમની ફ્લાઇટ્સની સુરક્ષા પર કોઈ જ અસર પડી નથી. જોકે આ ગંભીર મુદ્દે ઍર ઇન્ડિયા એક્સપ્રેસ કે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા કે ઍડ્વાઇઝરી જાહેર કરવામાં આવી નથી.

national news india air india akasa air