21 November, 2025 09:24 AM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ડોનલ્ડ ટ્રમ્પ જુનિયર ઑલરેડી ભારત આવી ગયા છે અને તેમણે ૪૦ દેશોના ૧૨૬ મહેમાનોના કાફલા સાથે આગરામાં તાજમહલની મુલાકાત લીધી હતી
રાજસ્થાનની પૅલેસનગરી ઉદયપુરમાં આજે અને આવતી કાલે અમેરિકાના અબજોપતિ પરિવારનાં લગ્નનો રૉયલ ઠાઠ જામવાનો છે. અમેરિકાના અબજોપતિ બિઝનેસમૅનના દીકરા અને અમેરિકી મૂળની દુલ્હન એલિઝાબેથનાં લગ્ન થવાનાં છે. એમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પનો દીકરો જુનિયર ટ્રમ્પ તેમ જ ગ્લોબલ મ્યુઝિક આઇકન જસ્ટિન બીબર અને જેનિફર લોપેઝ હાજરી આપશે. ડોનલ્ડ ટ્રમ્પ જુનિયરના આગમન પહેલાં જ ઉદયપુરમાં અમેરિકન સિક્યૉરિટી એજન્સીએ આવીને સુરક્ષા-વ્યવસ્થાની તપાસ કરી લીધી હતી. જુનિયર ટ્રમ્પ પિછોલા તળાવની વચ્ચે આવેલી આલીશાન લીલા પૅલેસ હોટેલમાં રોકાશે. લગ્નસમારોહ બે જ દિવસનો છે, પરંતુ તેઓ ૨૪ તારીખ સુધી ભારતમાં રહેવાના છે.
૪૦ દેશોના ૧૨૬ મહેમાનો સાથે જુનિયર ટ્રમ્પની તાજમહલની મુલાકાત
ગઈ કાલે ડોનલ્ડ ટ્રમ્પ જુનિયર ઑલરેડી ભારત આવી ગયા છે અને તેમણે ૪૦ દેશોના ૧૨૬ મહેમાનોના કાફલા સાથે આગરામાં તાજમહલની મુલાકાત લીધી હતી. બપોરે સાડાત્રણ વાગ્યે તેઓ તાજમહલ પહોંચ્યા હતા અને અહીં તેમણે પત્ની સાથે વિશ્વપ્રસિદ્ધ ડાયના બેન્ચ પાસે પણ તસવીરો ખેંચાવી હતી.