રામ-રામ: રામ મંદિરમાં થયેલી દાનચોરી વિશે RSS પ્રમુખ મોહન ભાગવતે આટલી જ પ્રતિક્રિયા આપી

05 July, 2026 07:42 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીના મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે એક અત્યંત ટૂંકી પણ તીક્ષ્ણ પ્રતિક્રિયા આપી છે

મોહન ભાગવત

અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીના મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે એક અત્યંત ટૂંકી પણ તીક્ષ્ણ પ્રતિક્રિયા આપી છે. નાગપુરમાં પત્રકારોએ જ્યારે તેમને સવાલ પૂછ્યો કે રામ મંદિર દાનકૌભાંડના બહાને કેટલાક લોકો ભગવાન રામ પ્રત્યે ભક્તોની આસ્થાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે તો એના પર તમારું શું કહેવું છે? આ ગંભીર સવાલના જવાબમાં RSS પ્રમુખે કોઈ પણ લાંબું રાજકીય કે ધાર્મિક નિવેદન આપવાનું સ્પષ્ટપણે ટાળ્યું હતું અને માત્ર ‘રામ-રામ’ કહીને ત્યાંથી આગળ વધી ગયા હતા. આ વિવાદ પર સંઘના વડાની આ પહેલી અને સીધી પ્રતિક્રિયા છે.

મોહન ભાગવતનું આ ટૂંકું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલાં જ RSS ના મહાસચિવ દત્તાત્રેય હોસાબળેએ આ મામલે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘દાનમાં ગેરરીતિની આ કથિત ઘટનાએ રામભક્તો અને સમગ્ર સમાજની ભાવનાઓને ઊંડી ઠેસ પહોંચાડી છે અને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) તલસ્પર્શી તપાસ કરીને દોષિતોને કડક સજા કરાવવી જોઈએ.’

પહેલા જ દિવસથી ખેલ ચાલી રહ્યો હતોએટલે આજ સુધી દર્શન કરવા નથી ગયો, રામ મંદિર દાન કૌભાંડ પર BJPના ભૂતપૂર્વ સંસદસભ્ય બ્રિજભૂષણ શરણનું નિવેદન

અયોધ્યાના રામ મંદિરમાં દાનચોરી વિશે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહે પુનરુચ્ચાર કર્યો હતો કે રામ મંદિરમાં આ રમત પહેલા દિવસથી જ ચાલી રહી છે અને આ જ કારણ છે કે હું ક્યારેય રામ મંદિરમાં દર્શન માટે ગયો નથી.

ગોંડા જિલ્લાના કૈસરગંજના ભૂતપૂર્વ સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે ‘મારે જે કંઈ કહેવું છે એ મેં પહેલાંથી જ કહ્યું છે. દુનિયામાં જ્યારે બીજા કોઈએ આ વાત કરી નહોતી ત્યારે મેં ૪ વર્ષ પહેલાં જ કહ્યું હતું. પહેલા દિવસથી જ ત્યાં આ રમત ચાલી રહી છે.’

બ્રિજભૂષણ શરણ સિંહે ૪ વર્ષ પહેલાં અયોધ્યામાં રામ મંદિરની વ્યવસ્થા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. એ સમયે તેમણે કહ્યું હતું કે ગોંડા અને અન્ય વિસ્તારોના લોકોને અયોધ્યાથી ભગાડી દેવામાં આવ્યા હતા. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે રામ મંદિર દાન કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે બ્રિજભૂષણ શરણ સિંહ કહ્યું હતું કે ‘આ વિશે બોલવું મારા માટે હાનિકારક રહેશે, કારણ કે ઘણી અગ્રણી વ્યક્તિઓ એમાં સામેલ છે. આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.’ બ્રિજભૂષણ શરણ સિંહ શ્રી રામજન્મભૂમિ ચળવળ સાથે જોડાયેલા હતા.  

રામ મંદિરમાંથી રોજ છથી ૮ લાખની ચોરી થતી હતી

અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીના કેસમાં પોલીસતપાસમાં બહાર આવ્યું છે કે દરરોજ છથી ૮ લાખ રૂપિયાની ચોરી થતી હતી. 
બૅન્ક-અધિકારીઓએ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને જણાવ્યું હતું કે ચોરીનો પર્દાફાશ થાય એ પહેલાં રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનાં બૅન્ક- ખાતાંઓમાં દરરોજ સરેરાશ સોળથી ૧૮ લાખ રૂપિયા જમા થતા હતા. જોકે ચોરીની વાત સામે આવ્યા પછી આ રકમ વધીને ચોવીસથી ૨૬ લાખ રૂપિયા પ્રતિ દિવસ થઈ ગઈ છે.
મંદિર સંકુલમાં આશરે ૧૦ દાન-કાઉન્ટર કાર્યરત છે, જે સવારે ૭ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી દાન સ્વીકારે છે. રજાઓ અને ખાસ દિવસોમાં પ્રતિ કાઉન્ટર બે લાખ રૂપિયા સુધી દાન વધી જાય છે. બૅન્ક-થાપણોમાં અચાનક થયેલા વધારાએ તપાસ-એજન્સીઓનું ધ્યાન ખેંચ્યું છે. SIT તપાસ કરી રહી છે કે પહેલાં અને હવે એકઠી કરવામાં આવેલી રકમમાં આટલો તફાવત કેમ છે. પોલીસ આ બધા મુદ્દાઓની તપાસ કરી રહી છે.
SIT રોકડ ગણતરીની પ્રક્રિયામાં સામેલ બૅન્ક-કર્મચારીઓની ભૂમિકા પણ તપાસી રહી છે અને નાણાંના ટ્રેલની વધુ તપાસ કરવાની અપેક્ષા છે. તપાસનો વ્યાપ વધતાં અધિકારીઓ નાણાકીય રેકૉર્ડ, ઑડિટ રિપોર્ટ અને મંદિરના દાનના સંચાલનની તપાસ કરી રહ્યા છે. આરોપો તપાસ હેઠળ છે અને કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી. 

national news ram mandir ayodhya religious places mohan bhagwat rashtriya swayamsevak sangh Crime News