10 November, 2025 09:30 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
RSSનાં ૧૦૦ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે ગઈ કાલે બૅન્ગલોરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં RSSના પ્રમુખ મોહન ભાગવતે મા દુર્ગા સામે શીશ નમાવ્યું હતું.
બૅન્ગલોરમાં ‘સંઘની ૧૦૦ વર્ષની યાત્રા: નવી ક્ષિતિજ’ વિષય પર વ્યાખ્યાન આપતી વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે શનિવારે કહ્યું હતું કે ‘RSSનું ધ્યેય સત્તા માટે નહીં પરંતુ રાષ્ટ્રીય ગૌરવ માટે હિન્દુ સમાજને સંગઠિત કરવાનું છે. હિન્દુઓ ભારત માટે જવાબદાર છે. ભારતમાં કોઈ બિનહિન્દુ નથી, કારણ કે દરેક વ્યક્તિ એક જ પૂર્વજોનો વંશજ છે અને દેશની મુખ્ય સંસ્કૃતિ હિન્દુ છે.’
RSSના ઉદ્દેશ વિશે બોલતાં મોહન ભાગવતે કહ્યું હતું કે ‘જ્યારે સંઘ જેવી સંગઠિત શક્તિ ઊભી થાય છે ત્યારે એ સત્તા શોધતી નથી, એ સમાજમાં મહત્ત્વ શોધતી નથી. એ ફક્ત ભારત માતાના મહિમા માટે સમાજની સેવા અને સંગઠિત કરવા માગે છે. આપણા દેશમાં લોકોને આ માનવું ખૂબ મુશ્કેલ લાગ્યું, પરંતુ હવે તેઓ માને છે. RSS હિન્દુ સમાજ પર ધ્યાન કેન્દ્રિત કરે છે એ વિશે સવાલ ઉઠાવવામાં આવે છે, પણ એનો જવાબ એ છે કે હિન્દુઓ ભારત માટે જવાબદાર છે.’
ભારતની સંસ્કૃતિના મુદ્દે બોલતાં મોહન ભાગવતે કહ્યું હતું કે ‘એવું નથી કે અંગ્રેજોએ આપણને રાષ્ટ્રીયત્વ આપ્યું. આપણે એક પ્રાચીન રાષ્ટ્ર છીએ. દુનિયામાં દરેક જગ્યાએ લોકો સહમત છે કે દરેક રાષ્ટ્રની પોતાની મૂળ સંસ્કૃતિ છે. રહેવાસીઓ ઘણા છે, પરંતુ એક મૂળ સંસ્કૃતિ છે. ભારતની મૂળ સંસ્કૃતિ શું છે? આપણે જે પણ વર્ણન કરીએ છીએ એ આપણને હિન્દુ શબ્દ તરફ દોરી જાય છે. ભારતમાં ખરેખર કોઈ બિનહિન્દુ નથી અને બધા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ એક જ પૂર્વજોના વંશજ છે. કદાચ તેઓ આ જાણતા નથી અથવા તેઓ આ ભૂલી ગયા છે.’
બીજું શું-શું કહ્યું?
RSS એવા હિન્દુ સમાજનું નિર્માણ કરવા માગે છે જે દુનિયાને ધર્મનું જ્ઞાન પ્રદાન કરે જેથી દુનિયા ખુશ, આનંદિત અને શાંતિપૂર્ણ બને. આ વિઝનને પૂરું કર્યા પછી અમે બીજું કંઈ કરવા નથી માગતા. જાણીને કે અજાણતાં દરેક વ્યક્તિ ભારતીય સંસ્કૃતિનું પાલન કરે છે તેથી કોઈ પણ બિનહિન્દુ નથી. દરેક હિન્દુએ સમજવું જોઈએ કે તેઓ હિન્દુ છે, કારણ કે હિન્દુ હોવાનો અર્થ ભારત માટે જવાબદાર રહેવું છે. સનાતન ધર્મ એ હિન્દુ રાષ્ટ્ર છે અને સનાતન ધર્મની પ્રગતિ એ ભારતની પ્રગતિ છે.