✕

લર્નિંગ લાઇસન્સ મેળવવાના નિયમોમાં બદલાવ થશે

25 October, 2026 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેફ-ડ્રાઇવિંગ ટ્યુટોરિયલમાં ૬૦ને બદલે ૭૫ ટકા માર્કે પાસ થવાશે, ટ્યુટોરિયલનો મિનિમમ સમયગાળો ૩૦ મિનિટનો થશે.

લર્નિંગ લાઇસન્સના નિયમો બદલાશે

કેન્દ્ર સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989ના વ્યાપક સુધારાના ભાગરૂપે ઘણી ડ્રાઇવિંગ-લાઇસન્સ સેવાઓ મફત બનાવવાનો અને લર્નર લાઇસન્સ મેળવવા માટેની આવશ્યકતાઓને કડક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે આ માટે એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. પ્રસ્તાવિત ફેરફારો હેઠળ અરજદારોએ હાલના ૭ દિવસના સમયગાળાની જગ્યાએ ૧૫ દિવસની અંદર સલામત-ડ્રાઇવિંગ ટ્યુટોરિયલ પૂર્ણ કરવાનું રહેશે. પાસ માર્ક ૬૦ ટકાથી વધીને ૭૫ ટકા થશે અને લઘુતમ ટ્યુટોરિયલ સમયગાળો ૩૦ મિનિટ હશે. 
ડ્રાફ્ટ નિયમોમાં ઑનલાઇન આધાર પ્રમાણીકરણ દ્વારા ઍક્સેસ કરવામાં આવતી સેવાઓ માટે ફી માફ કરવાનો પ્રસ્તાવ છે. ડ્રાઇવિંગ લાઇસન્સધારકના નામ અથવા અન્ય વિગતોમાં ફેરફાર પણ મફત રહેશે; જ્યારે સરનામું, મોબાઇલ-નંબર અથવા ઈ-મેઇલ ID અપડેટ કરવા પર કોઈ ફી લાગશે નહીં. સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, પાસપોર્ટ અથવા સરકાર દ્વારા અપાયેલું ફોટો ઓળખ કાર્ડ રજૂ કરી શકાય છે. ઉંમર અથવા જન્મતારીખના પુરાવા માટે પાસપોર્ટ, માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા અપાયેલી માર્કશીટ કે પ્રમાણપત્રનો સમાવેશ થાય છે. ઓળખના પુરાવા તરીકે આધાર, માન્ય ભારતીય પાસપોર્ટ, ઈ-રૅશન કાર્ડ, સરકાર દ્વારા અપાયેલા ચોક્કસ સેવા કે પેન્શન દસ્તાવેજો અને પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN) સ્વીકારવામાં આવશે.

ministry of road transport and highways morth mantralaya Aadhaar national news india indian government