ઇન્ડોનેશિયાની જેમ ભારતમાં પણ હાથીની સવારી પર પ્રતિબંધ મૂકવો જોઈએ

02 April, 2026 07:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રૂપાલી ગાંગુલીએ નરેન્દ્ર મોદીને પત્ર લખીને માગણી કરી: જયપુરમાં થોડાક મહિના પહેલાં એક ફોટોશૂટ માટે એક હાથણીને ગુલાબી રંગે રંગવામાં આવી હતી, એ હાથણીનું તાજેતરમાં અવસાન થયું એને પગલે પ્રાણીપ્રેમીઓ વીફર્યા છે

રૂપાલી પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA)ની સમર્થક છે અને પ્રાણીઓના હકો માટે અવાજ ઉઠાવતી રહે છે.

હાલમાં સોશ્યલ મીડિયા પર એક હાથણીની તસવીર વાઇરલ થઈ રહી છે જેમાં પિન્ક સિટી જયપુરમાં એને પિન્ક રંગથી રંગીને ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે આ હાથણીની મોતના સમાચાર સામે આવ્યા. સોશ્યલ મીડિયા પર હવે ચર્ચા શરૂ થઈ છે કે શું આ રંગના કારણે એનું મોત થયું હશે? આ મુદ્દે વિવાદ વધી જ રહ્યો છે. હવે ‘અનુપમા’થી સારી એવી લોકપ્રિયતા મેળવનાર ઍક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પણ આ મામલે કડક પ્રતિક્રિયા આપી છે. રૂપાલી પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA)ની સમર્થક છે અને પ્રાણીઓના હકો માટે અવાજ ઉઠાવતી રહે છે. રૂપાલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને હાથીની સવારી પર પ્રતિબંધ લગાડવાની માગણી કરી છે. તેણે પોતાના પત્રમાં લખ્યું કે આ ઘટનાએ ભારત અને વિદેશના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને હવે લોકો હાથીઓના શોષણ સામે મજબૂત રીતે ઊભા થઈ રહ્યા છે.

રૂપાલીએ વધુમાં વિનંતી કરી કે ઇન્ડોનેશિયાની જેમ ભારતમાં પણ હાથીની સવારી પર પ્રતિબંધ મૂકવો જોઈએ અને એના બદલે રોબોટિક હાથીઓ અથવા અન્ય વિકલ્પોને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી રાષ્ટ્રીય ધરોહર જેવા પ્રાણીનું શોષણ બંધ થઈ શકે.


શું છે સમગ્ર મામલો?

જયપુરમાં મૃત્યુ પામેલા હાથણીનું નામ ચંચલ હતું અને એની ઉંમર લગભગ ૬૫થી ૭૦ વર્ષ હતી. રિપોર્ટ અનુસાર રશિયન મૂળની ફોટોગ્રાફર જુલિયા બુરુલેવાએ જયપુરના એક જૂના ત્યજેલા ગણેશ મંદિરમાં ૨૦૨૫ના ડિસેમ્બર મહિનામાં એક ફોટોશૂટનું આયોજન કર્યું હતું જેમાં ચંચલને સંપૂર્ણ ગુલાબી રંગે રંગીને એક મૉડલને પણ ગુલાબી વસ્ત્રોમાં એના પર બેસાડીને તસવીરો લેવામાં આવી હતી. હવે આ ફોટોશૂટ વાઇરલ થયું છે અને એમાં પણ હાથણીનું મૃત્યુ થઈ જતાં એની સાથે અયોગ્ય વર્તન થયું હોવાના આરોપ સાથે વિવાદ વકર્યો છે. હાલમાં લોકો આ ઘટનાને લઈને ફોટોગ્રાફર પર કડક ટીકા કરી રહ્યા છે અને પ્રાણીઓ સાથે આવા વર્તન પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એક વાર પ્રાણીઓના હકો અને તેમના સંરક્ષણ અંગે ચર્ચા શરૂ કરી છે. 

national news rupali ganguly narendra modi indian government india wildlife jaipur