04 December, 2025 07:53 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પુતિનની ભારતની મુલાકાત નિમિત્તે અમ્રિતસરમાં એક કલાકારે તેમની ભારત સાથેની મિત્રતાને બિરદાવતું લાર્જર ધેન લાઇફ પોર્ટ્રેટ દોર્યું હતું.
૨૦૨૩માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું એ પછી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બહુ ઓછા દેશોની મુલાકાતે જાય છે. છેલ્લે ૨૦૨૧માં પુતિન દિલ્હી આવ્યા હતા. આ વખતે ભારત અને રશિયા વચ્ચેની સ્ટ્રૅટેજિક ભાગીદારીને ૨૫ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે એ નિમિત્તે તેઓ ભારત આવ્યા છે. આ ૨૩મું દ્વિપક્ષીય શિખર સંમેલન હશે. ભલે આ બે દેશોનું શિખર સંમેલન છે, પરંતુ એમાં શું થાય છે એના પર દુનિયાભરના લોકો નજર નાખીને બેઠા છે.
આમ પુતિન ભારતમાં બે દિવસની યાત્રા પર છે, પરંતુ પ્રૅક્ટિકલી કુલ ૩૦ કલાક જ છે. આ સમયમાં તેમનું ટેન્ટેટિવ શેડ્યુલ જાહેર થયું છે એ જોઈએ. આજે સાંજે છ વાગ્યે પુતિન ભારત પહોંચશે. એ પછી કેટલીક મહત્ત્વપૂર્ણ મીટિંગો કરશે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પ્રાઇવેટ ડિનર અને અન્ય પ્રાઇવેટ કાર્યક્રમો સામેલ છે.
આવતી કાલે સવારે ૯.૩૦ વાગ્યે રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં વ્લાદિમીર પુતિનનું ઔપચારિક સ્વાગત થશે. એ પછી રાજઘાટ જઈને તેઓ શ્રદ્ધાંજલિ આપશે. ત્યાર બાદ હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય અને બન્ને દેશોનાં પ્રતિનિધિમંડળોની મીટિંગમાં ભાગ લેશે. પ્રતિનિધિમંડળો સાથે જ લંચ લેશે જેમાં ભારતના ટોચના ઉદ્યોગપતિઓ પણ સામેલ થાય એવી સંભાવના છે.
હૈદરાબાદ હાઉસમાં જ બે દેશો વચ્ચે થયેલા કરારોની જાહેરાત થશે અને ત્યાંથી જ પ્રેસ-સ્ટેટમેન્ટ બહાર પાડશે. બપોરે ભારત-રશિયા બિઝનેસ ફોરમની બેઠક થશે જેમાં પુતિન અને નરેન્દ્ર મોદી બન્ને હાજર રહેશે. સાંજનું રાજ્ય ભોજ રાષ્ટ્રપતિ તરફથી છે અને ડિનર પછી પુતિન રશિયા જવા નીકળી જશે.
જ્યાં એક રાતનું ભાડું ૧૦ લાખ છે એવા દિલ્હીના સૌથી શાહી રૂમમાં રહેશે
વ્લાદિમીર પુતિન દિલ્હીની ITC મૌર્ય હોટેલના પ્રેસિડેન્શ્યલ સ્વીટમાં રહેશે. આ સ્વીટને ચાણક્ય સ્વીટ પણ કહેવામાં આવે છે, કેમ કે અહીં સ્ટ્રૅટેજિક પાર્ટનરશિપ ધરાવતા ખાસ દેશના વડાઓ રોકાય છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડન અને બરાક ઓબામા પણ જ્યારે ભારત આવ્યા ત્યારે અહીં જ રોકાયા હતા. ITC મૌર્ય છેલ્લાં ૪૦ વર્ષથી ભારત આવતા રાષ્ટ્રાધ્યક્ષો અને ગ્લોબલ સેલિબ્રિટીઝનું ફેવરિટ ઠેકાણું રહ્યું છે. એમાં ૪૧૧ રૂમો અને ૨૬ સ્વીટ છે.
કયા મુદ્દાઓ પર વાતચીત થશે?
રશિયા અને ભારત વચ્ચે ડિફેન્સ, એનર્જી, ટેક્નૉલૉજી, અંતરીક્ષ અને અન્ય વ્યાપારી મુદ્દાઓ પર મહત્ત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત થશે. ઍર ડિફેન્સ સિસ્ટમ S-400ના સોદા તેમ જ પાંચમી જનરેશનના ફાઇટર Su-57ના સંયુક્ત ઉત્પાદનના પ્રસ્તાવ પર પણ વિચારણા થઈ શકે એમ છે.
ભારત અને રશિયા હવે એકબીજાના મિલિટરી બેઝનો ઉપયોગ કરી શકશે- જોકે યુદ્ધ સમયે એની પરવાનગી નહીં મળે
રશિયન સંસદના નીચલા ગૃહ સ્ટેટ ડુમાએ મંગળવારે ભારત અને રશિયા વચ્ચેના રેસિપ્રોકલ એક્સચેન્જ ઑફ લૉજિસ્ટિક્સ સપોર્ટ (RELOS) લશ્કરી કરારને મંજૂરી આપી હતી. આ કરાર હેઠળ બન્ને દેશોની સેનાઓ એકબીજાનાં મિલિટરી બેઝ, સુવિધાઓ અને સંસાધનોનો ઉપયોગ કરી શકશે. RELOSને બન્ને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં સૌથી મહત્ત્વપૂર્ણ સંરક્ષણકરારોમાંનો એક માનવામાં આવે છે. આ મંજૂરી પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની ભારત-મુલાકાતના બે દિવસ પહેલાં આવી હતી. તેમનાં વિમાનો અને યુદ્ધજહાજોમાં ઈંધણ ભરવા મિલિટરી બેઝ પર કૅમ્પિંગ કરી શકશે અથવા અન્ય લૉજિસ્ટિકલ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. ખર્ચ સમાન રીતે વહેંચવામાં આવશે. આ કરાર સાથે અમેરિકા અને રશિયા સાથે લશ્કરી માળખાગત સુવિધાઓ શૅર કરવાનો કરાર કરનાર ભારત પ્રથમ દેશ બનશે. જોકે આ કરાર હેઠળ યુદ્ધ અથવા અન્ય કોઈ પણ લશ્કરી સંઘર્ષ દરમ્યાન મિલિટરી બેઝનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે. એ ફક્ત લૉજિસ્ટિકલ સપોર્ટ અને શાંતિ સમયના લશ્કરી સહયોગ માટે છે. લૉજિસ્ટિકલ સપોર્ટનો અર્થ એ છે કે દેશો એકબીજાની સેનાઓને જરૂર પડે ત્યારે બળતણ, પુરવઠો અને સમારકામ જેવી સહાય પૂરી પાડે છે.