24 August, 2025 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એસ. જયશંકર
શુક્રવારે ‘ધી ઇકૉનૉમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ’માં ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ-ડીલ સંદર્ભે એક મોટું નિવેદન આપતાં વિદેશપ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે ‘એ માટેની વાતચીત હજી પણ ચાલુ છે, કોઈ પણ રીતે એવું ન કહી શકાય કે વાતચીત બંધ છે. લોકો એકબીજા સાથે વાત કરે છે. એવું નથી કે ત્યાં કટ્ટી (મિત્રતાનો અંત) છે.’
જોકે તેમણે આમ કહ્યું ત્યારે ઉપસ્થિત પ્રેક્ષકો તેમની કમેન્ટ પર હસી પડ્યા હતા. ભારતે કેટલીક લાલ રેખાઓ ખેંચી છે, જેમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ ખેડૂતો અને નાના ઉત્પાદકોનાં હિતનો સમાવેશ છે એમ જણાવતાં જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે ‘ભારત સરકાર આ મુદ્દાઓ પર કોઈ સમાધાન કરવા તૈયાર નથી. અમારી ચિંતા ખેડૂતોનાં હિત અને અમુક અંશે નાના ઉત્પાદકોનાં હિત સાથે સંકળાયેલી છે. અમે એક સરકાર તરીકે આપણા ખેડૂતો અને આપણા નાના ઉત્પાદકોનાં હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે એના પર દૃઢ છીએ. એ એવી વસ્તુ નથી જેના પર અમે સમાધાન કરી શકીએ.’
ડોનલ્ડ ટ્રમ્પે પોતાના કટ્ટર સમર્થકને બનાવ્યા ભારતમાં રાજદૂત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે તેમના કટ્ટર સમર્થક સર્ગિયો ગોરને અમેરિકાના ભારત ખાતેના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. સર્ગિયો ટ્રમ્પની નજીકના વર્તુળમાં રહેતા અને વિશ્વાસુ મિત્ર ગણાય છે. ઈલૉન મસ્ક સાથેના વિવાદ છતાં સર્ગિયો ટ્રમ્પનો વિશ્વાસ જીત્યા છે અને તેમને માટે ૨૦૨૦થી સતત મોટાં કૅમ્પેન સફળતાપૂર્વક પાર પાડી આપ્યાં છે.
ડોનલ્ડ ટ્રમ્પનો ફરી એક વાર દાવો, મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ અટકાવ્યું હતું
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરી હતી. વાઇટ હાઉસની ઓવલ ઑફિસમાં ‘ટ્રમ્પ વૉઝ રાઇટ અબાઉટ એવરીથિંગ’ લખેલી લાલ ટોપી પહેરીને ટ્રમ્પે કહ્યું હતું કે ‘મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ અટકાવ્યું હતું. એ સમયે પરિસ્થિતિ અત્યંત ખતરનાક બની ગઈ હતી અને બન્ને દેશો મોટા પરમાણુ સંઘર્ષ તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ મારા હસ્તક્ષેપથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી.’ જોકે ભારતે ટ્રમ્પના એ દાવાને વારંવાર નકારી કાઢ્યો છે.
આ સમય દરમ્યાન ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ‘અત્યાર સુધી મેં ૭ યુદ્ધોનો અંત કરાવ્યો છે અને શરૂ થનારાં ત્રણ યુદ્ધોને રોકવામાં ભૂમિકા ભજવી છે. કુલ મળીને મેં ૧૦ યુદ્ધોના ઉકેલમાં ભૂમિકા ભજવી છે.’ જોકે તેમણે સ્પષ્ટ કર્યું નથી કે તેઓ કયાં યુદ્ધો વિશે વાત કરી રહ્યા હતા.