૧૯૮૪નાં ​સિખવિરોધી રમખાણોના દોષિત સજ્જન કુમારનું ૮૦ વર્ષની વયે નિધન

21 August, 2026 01:02 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

તિહાડ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા હતા કૉન્ગ્રેસના ભૂતપૂર્વ નેતા

સજ્જન કુમાર

૧૯૮૪ના સિખવિરોધી રમખાણોના દોષિત અને કૉન્ગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય સજ્જન કુમારનું ગુરુવારે ૮૦ વર્ષની વયે નિધન થયું છે. તેમને દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં મૃત લાવવામાં આવ્યા હતા. ૧૯૮૪નાં રમખાણોના બે કેસમાં દોષિત ઠર્યા બાદ તેઓ તિહાડ જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યા હતા.
સજ્જન કુમાર ૧૯૮૦ના દાયકામાં ઉત્તર પશ્ચિમ અને બાહ્ય દિલ્હી બેઠક પરથી કૉન્ગ્રેસના મોટા નેતા તરીકે ઊભરી આવ્યા હતા. તેઓ ૧૯૮૦ તથા ૧૯૯૧ અને ૨૦૦૪ એમ ૩ વખત લોકસભાના સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ ભડકેલાં સિખવિરોધી રમખાણોમાં નામ આવતાં તેમની રાજકીય કારકિર્દી વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. તેમના પર ટોળાને ઉશ્કેરવાનો અને હત્યાઓમાં સામેલ હોવાનો ગંભીર આરોપ હતો.
લગભગ ૩૪ વર્ષ સુધી ચાલેલી લાંબી કાનૂની લડાઈ બાદ ૨૦૧૮માં દિલ્હી હાઈ કોર્ટે નીચલી અદાલતનો ચુકાદો પલટીને તેમને દોષિત ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા ફટકારી હતી. સજા સંભળાવ્યા બાદ તરત જ તેમણે કૉન્ગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ ૨૦૧૮ની ૩૧ ડિસેમ્બરે તેમણે કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.

national news india tihar jail delhi news new delhi