20 November, 2025 09:35 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
બૉટલ અને ટેટ્રા પૅક
દારૂની બે બ્રૅન્ડ વચ્ચેના કાનૂની વિવાદમાં દારૂનું ટેટ્રા પૅક જોઈને સુપ્રીમ કોર્ટના જજને થયું આશ્ચર્ય
સુપ્રીમ કોર્ટે જૂસ જેવા ટેટ્રા પૅકમાં મળતા દારૂના વેચાણ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે જણાવ્યું હતું કે આવાં પૅક બાળકો માટે સરળતાથી ઉપલબ્ધ હોઈ શકે છે અને સ્કૂલબૅગમાં પણ સરળતાથી છુપાવી શકાય છે. ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું હતું કે ‘આ પૅકેજમાં આરોગ્યની ચેતવણીઓનો અભાવ છે. બધી સરકારો ફક્ત આવક પેદા કરવા માટે એના વેચાણને મંજૂરી આપી રહી છે.’
બે દાયકાથી ટ્રેડમાર્ક વિવાદ
સુપ્રીમ કોર્ટે આ અવલોકન દારૂની બે બ્રૅન્ડ વચ્ચે ૨૦ વર્ષથી ચાલતા કાનૂની વિવાદની સુનાવણી વખતે કર્યું હતું. ૩૦ વર્ષથી વધુ સમયથી બજારમાં રહેલી ઑફિસર્સ ચૉઇસ અને ઓરિજિનલ ચૉઇસ વચ્ચેનો ટ્રેડમાર્ક-વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં છે. બન્ને બ્રૅન્ડ એકબીજાના નામમાં ‘ચૉઇસ’ શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવી રહી છે. આ ઉપરાંત બૉટલ પર પૅકેજિંગ ડિઝાઇન, બ્રૅન્ડનેમ લખવાની રીત વગેરે બાબતો પર પણ વિવાદ ચાલી રહ્યો છે.
જજનું આશ્ચર્ય
સુનાવણી દરમ્યાન એક કંપનીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ ન્યાયાધીશોને સરખામણી માટે બન્ને બ્રૅન્ડનાં પૅકેજિંગ બતાવ્યાં હતાં. એમાં બૉટલ અને ટેટ્રા પૅક
પણ દર્શાવ્યાં હતાં. એ જોઈને ન્યાયાધીશોએ મુખ્ય વિવાદ છોડીને આ મુદ્દે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘આ તો જૂસ પૅક જેવું લાગે છે. એને સ્કૂલબૅગમાં પણ છુપાવી શકાય છે. એ આશ્ચર્યજનક છે કે એના વેચાણને ઑલરેડી મંજૂરી આપવામાં આવી રહી છે. સરકાર ફક્ત તેમનો ખજાનો ભરવાની ચિંતા કરે છે.’
કોર્ટે આ બાબતે કોઈ આદેશ જાહેર કર્યો નહોતો, પરંતુ એક મહત્ત્વપૂર્ણ અવલોકન અને સૂચન કરતાં કહ્યું હતું કે ‘સરકારોએ યુવાનોના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જોઈએ. તેમણે ટેટ્રા પૅકમાં દારૂના વેચાણને આપવામાં આવેલી મંજૂરી પર પુનર્વિચાર કરવો જોઈએ.’