14 July, 2026 09:27 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કૉર્ટે મદ્રાસ હાઈ કોર્ટના એ વિવાદાસ્પદ ચુકાદા પર વચગાળાની રોક લગાવી દીધી છે જેમાં તામિલનાડુ સરકારને બકરી ઈદ કે અન્ય કોઈ પણ દિવસે ગાય અને વાછરડાના વધને રોકવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ સંપૂર્ણ પ્રતિબંધ વિરુદ્ધ રાજ્ય સરકારની અરજી પર સુનાવણી હાથ ધરીને સામેવાળા પક્ષને નોટિસ આપીને જવાબ માગ્યો છે. હાઈ કોર્ટના આ આદેશ સામે તામિલનાડુ સરકારે અપીલ કરી હતી, જેના પર જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની બેન્ચે હાઈ કોર્ટના નિર્ણયના અમલીકરણ પર તાત્કાલિક અસરથી સ્ટે આપ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખતાં તામિલનાડુ સરકારે દલીલ કરી હતી કે હાઈ કોર્ટ દ્વારા લાદવામાં આવેલો આ સંપૂર્ણ પ્રતિબંધ ‘તામિલનાડુ પશુ સંરક્ષણ ઍક્ટ, ૧૯૫૮’ની મૂળ કાનૂની જોગવાઈઓની તદ્દન વિરુદ્ધ છે, આ કાયદા હેઠળ રાજ્યમાં કેટલીક ચોક્કસ શરતોને આધીન પશુવધની કાનૂની મંજૂરી આપેલી છે. નિયમ અનુસાર જો પશુની ઉંમર ૧૦ વર્ષથી વધુ થઈ ચૂકી હોય અથવા તે પ્રજનન અને ખેતીકામ માટે સંપૂર્ણપણે અયોગ્ય હોય તો સક્ષમ અધિકારી પાસેથી જરૂરી પ્રમાણપત્ર મેળવ્યા બાદ વધ કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે આ કાનૂની પાસાને ધ્યાનમાં રાખીને હાઈ કોર્ટના આદેશને હાલપૂરતો સ્થગિત કરી દીધો છે.