ગોળીબારની ઘટના બાદ રોહિણી કોર્ટમાં સુરક્ષા વધારી દેવામાં આવી

26 September, 2021 11:47 AM IST  |  New Delhi | Agency

કોર્ટ-પરિસરમાં મેટલ ડિટેક્ટર્સની કામગીરી વિશે પણ ચિંતા વ્યક્ત કરી આ મામલો કોર્ટ વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હીની રોહિણી હાઈ કોર્ટમાં નાટ્યાત્મક ગોળીબારમાં ત્રણ જણનાં મૃત્યુ થયાં હોવાના બીજા દિવસે દિલ્હી પોલીસે ગઈ કાલે કોર્ટની સુરક્ષા વધારી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યા અનુસાર માત્ર અલૉટ કરવામાં આવેલાં સ્ટિકર્સવાળાં વાહનોને કોર્ટ-પરિસરમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે તથા વકીલો અને મુકદ્દમાઓની તપાસ હાથ ધરવામાં આવશે. 
વરિષ્ઠ પોલીસ-અધિકારીઓએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં ફરીથી આવો બનાવ ન બને એ માટે કોર્ટની અંદર અને બહાર પર્યાપ્ત પોલીસ-બંદોબસ્ત કરવામાં આવ્યો છે. કોર્ટ-પરિસરમાં મેટલ ડિટેક્ટર્સની કામગીરી વિશે પણ ચિંતા વ્યક્ત કરી આ મામલો કોર્ટ વહીવટી તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. શુક્રવારે કોર્ટરૂમમાં થયેલા નાટ્યાત્મક શૂટઆઉટમાં જેલવાસી ગૅન્ગસ્ટર જિતેન્દર માન ઉર્ફે ગોગી અને તેના બે સહયોગીઓ માર્યા ગયા હતા. આ ઘટનાના વિડિયો ફુટેજમાં કોર્ટની સુરક્ષા-વ્યવસ્થામાં રહેલી ક્ષતિઓ ઉજાગર કરી હતી. વિડિયોના ફુટેજમાં કોર્ટરૂમ-નંબર ૨૦૭માં ગોળીબાર થતાં પોલીસ-કર્મચારીઓ અને વકીલો ગભરાટમાં બહાર દોડી આવ્યા હતા. મેટલ ડિટેક્ટર હોવા છતાં હથિયારધારીઓ કોર્ટમાં કઈ રીતે ધસી આવ્યા એ બાબત સુરક્ષા-વ્યવસ્થામાં રહેલાં છીંડાં પ્રત્યે નિર્દેશ કરે છે. 

national news new delhi