કૉન્ગ્રેસે ફરી ચાવાળા નરેન્દ્ર મોદીની મજાક ઉડાવી

04 December, 2025 06:58 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

BJPએ કહ્યું કે નામદાર કૉન્ગ્રેસ કામદાર વડા પ્રધાનની સામે ટકી શકે એમ નથી

જ્યાં ​વિશ્વના નેતાઓ ભેગા થયા હોય એવી ઇવેન્ટમાં નરેન્દ્ર મોદીને ચા વેચતા દેખાડતો વિડિયો કૉન્ગ્રેસી નેતાએ શૅર કર્યો હતો.

સંસદના શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાના હેતુથી કૉન્ગ્રેસનાં વરિષ્ઠ નેતા રાગિણી નાયકે એક સોશ્યલ મીડિયા પર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા જનરેટેડ વિડિયો શૅર કર્યો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચા વેચતા દેખાય છે. વડા પ્રધાન એક વૈશ્વિક કાર્યક્રમમાં હાથમાં કીટલી લઈને અને ચશ્માં પહેરીને ફરતા દેખાય છે. ‘હવે આ કોણે કર્યું?’ આવું લખીને તેમણે સ્માઇલિંગ ઇમોજી ઉમેર્યાં છે. રાગિણી નાયક કૉન્ગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય પ્રવક્તા છે. તે ટીવી-ચૅનલો અને મીડિયામાં કૉન્ગ્રેસનું પ્રતિનિધિત્વ કરે છે.

રાગિણી નાયકની આ બેદરકારીભરી પોસ્ટને કારણે ભારે વિવાદ થયો છે. BJPએ તરત જ આ વિડિયોની ટીકા કરી હતી અને કૉન્ગ્રેસ પર વડા પ્રધાનને અપશબ્દ બોલવાનો આરોપ લગાવ્યો હતો. BJPના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે ‘નામદાર કૉન્ગ્રેસ કામદાર વડા પ્રધાનની સામે ટકી શકે એમ નથી. એલીટ કૉન્ગ્રેસ OBC સમુદાયના મહેનતુ વડા પ્રધાનને સ્વીકારી શકતી નથી જે નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તેમણે અગાઉ પણ તેમના ‘ચાયવાળા’ હોવાની મજાક ઉડાવી છે, ૧૫૦થી વધુ વખત તેમનું અપમાન કર્યું છે અને બિહારમાં તેમનાં માતાને પણ નિશાન બનાવ્યાં છે. લોકો તેમને ક્યારેય માફ કરશે નહીં.’

national news india indian government ai artificial intelligence narendra modi social media social networking site bharatiya janata party congress