14 July, 2026 10:39 AM IST | Ladakh | Gujarati Mid-day Correspondent
લદ્દાખ
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં લોકશાહી વિકેન્દ્રીકરણ અને ગ્રાસરૂટ ગવર્નન્સને મજબૂત કરવા માટે વહીવટી તંત્રે એક મોટો નિર્ણય લીધો છે. લદ્દાખના મુખ્ય સચિવ આશિષ કુંદ્રાએ સોમવારે જાહેરાત કરી હતી કે પ્રદેશના તમામ સાતેય જિલ્લાઓમાં સ્વાયત્ત હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની રચના કરવામાં આવશે. આ સાત કાઉન્સિલની ઉપર એક કેન્દ્રશાસિત પ્રદેશ (UT) સ્તરની સર્વોચ્ચ સંસ્થા બનાવવાની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે; જેને વિશેષ કલમ ૩૭૧ના માળખા હેઠળ કાયદાકીય, કારોબારી, વહીવટી અને નાણાકીય સત્તાઓ આપવામાં આવશે. મુખ્ય સચિવે આ અનોખા મૉડલને દેશભરમાં અજોડ ગણાવ્યું છે.
૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરીને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. અત્યાર સુધી લદ્દાખમાં માત્ર લેહ અને કારગિલ એમ બે જ જિલ્લાઓમાં ચૂંટાયેલું પ્રતિનિધિત્વ અને હિલ કાઉન્સિલ અસ્તિત્વમાં હતાં. જોકે તાજેતરમાં એપ્રિલ ૨૦૨૬માં વહીવટી તંત્રે પાંચ નવા જિલ્લા – શામ, નુબ્રા, ચાંગથાંગ, ઝાંસ્કર અને દ્રાસની રચના કરી હતી. હવે લદ્દાખ સ્વાયત્ત હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ ઍક્ટની જોગવાઈઓ હેઠળ આ તમામ પાંચ નવા જિલ્લાઓને પણ પોતાની અલગ કાઉન્સિલ મળશે, જેના માટે માત્ર મતવિસ્તારોનું સીમાંકન અને જરૂરી કાયદાકીય સુધારા જ બાકી રહ્યા છે.
પ્રદેશની સાંસ્કૃતિક ઓળખ, સ્થાનિક રોજગારી અને જમીનના અધિકારોની રક્ષા માટે કલમ ૩૭૧ હેઠળ બંધારણીય સુરક્ષા આપવાની આ માગણી માટે સામાજિક કાર્યકર સોનમ વાંગચુક અને સ્થાનિક સંગઠનો લાંબા સમયથી આંદોલન કરી રહ્યાં હતાં. કેન્દ્ર સરકાર સાથે સૈદ્ધાંતિક સહમતી સાધવામાં આવ્યા બાદ પ્રદેશના હિતમાં આ મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.