15 September, 2025 08:56 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
બદરીનાથની જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જાહેરાત કરી હતી કે તેઓ આગામી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તમામ ૨૪૩ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે અમે ગૌરક્ષા અને સનાતન ધર્મની રક્ષા માટે ૨૪૩ બેઠકો પર એવા સ્વતંત્ર ઉમેદવારોની ઓળખ કરીશું જેઓ આ માટે પ્રતિબદ્ધતા દર્શાવતા હોય.
બિહારમાં શનિવારે ગૌરક્ષા સંકલ્પ યાત્રા શરૂ કર્યા પછી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ જાહેરાત કરી હતી કે ‘અમે એવા સ્વતંત્ર ઉમેદવારોને ટેકો આપીશું જેઓ ગૌહત્યા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ હશે. તેમને મારા આશીર્વાદ મળશે. અમે ખાતરી કરીશું કે દરેક મતવિસ્તારમાં ઓછામાં ઓછો એક ઉમેદવાર ઉતારવામાં આવે જે ગાય સંરક્ષણ માટે સમર્પિત હોય. ૭ દાયકા અને અનેક ખાતરીઓ પછીયે કોઈ પણ પક્ષ ગૌહત્યા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ નથી. ગાયો પર અત્યાચાર વધી રહ્યા છે અને એના પર કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. અમે મતદારોને સીધી અપીલ કરીશું કે તેઓ ફક્ત એવા ઉમેદવારોને જ મત આપે જેઓ ગૌહત્યાને પાપ માને છે અને આ દેશના હિન્દુઓની વ્યાપક ભાવનાઓ સાથે સુમેળમાં એમના રક્ષણ માટે કામ કરે છે.’
ગૌમાંસની નિકાસ વધી હોવાનો દાવો
અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ એવું પણ કહ્યું હતું કે ‘BJPની આગેવાની હેઠળની NDA સરકાર સત્તામાં હોવા છતાં દેશમાં ગૌમાંસની નિકાસ દિવસે ને દિવસે વધી રહી છે. એક તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે તેમનો પક્ષ ગાયના રક્ષણ માટે છે અને બીજી તરફ દેશમાં ગૌમાંસની નિકાસ વધી રહી છે એ ખૂબ જ આઘાતજનક અને ચિંતાજનક છે. કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં સક્રિય પગલાં લેવાં જોઈએ. ગૌહત્યા સાથે સંકળાયેલી કંપનીઓ રાજકીય પક્ષોને દાન આપે છે ત્યારે તેમની પાસેથી કોઈ વધુ અપેક્ષા રાખી શકાતી નથી.’