નરેન્દ્ર મોદીએ મારી સલાહ ધ્યાનમાં લીધી હોય એવું લાગે છે

26 July, 2026 07:56 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

શરદ પવારે કહ્યું કે મેં તેમને બળપ્રયોગને બદલે આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવા કહ્યું હતું

પુણેમાં પત્રકારોને સંબોધતા NCP-SPના પ્રમુખ શરદ પવાર.

કેન્દ્રીય શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે રાજીનામું આપ્યું ત્યાર બાદ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના પ્રમુખ શરદ પવારે પુણેમાં પત્રકારો સાથે વાતચીત દરમ્યાન તેમણે આ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી હોવાનું જણાવ્યું હતું. પોતે નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરીને આંદોલન કરનારા વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવાને બદલે તેમની કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ સાથે ચર્ચા કરવાની સલાહ આપી હોવાનું તેમણે કહ્યું હતું. પોતાની સલાહ વડા પ્રધાને ધ્યાનમાં લીધી હોવાનું પણ શરદ પવારે જણાવ્યું હતું. 

શરદ પવારે કહ્યું હતું કે હું જંતરમંતર પર અભિજિત દીપકેને મળ્યો ત્યાર પછી મેં અંગત રીતે મળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને CJPના નેતા અને યુવાનોની સાથે ચર્ચા કરવાની વિનંતી કરી હતી.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને દેશના યુવાનોની તથા ભારતમાં લોકશાહીની જીત ગણાવીને શરદ પવારે કહ્યું હતું કે ‘જે પરિણામ આપણી સામે આવ્યું છે એ લોકશાહી પદ્ધતિએ થતા આંદોલનની શક્તિનું પ્રતિબિંબ છે. સરકારે પણ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારવી પડી છે.’

૧૦ વર્ષ સુધીની જેલ અને ૧૦ કરોડ રૂપિયાના દંડની જોગવાઈ ધરાવતું બિલ સંસદમાં રજૂ થશે

શિક્ષણવ્યવસ્થામાં પારદર્શિતા લાવવા અને પેપર-લીકની ઘટનાઓ અટકાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સોમવારે સંસદમાં જાહેર પરીક્ષા (ગેરરીતિ નિવારણ) સુધારા વિધેયક ૨૦૨૬ રજૂ કરશે. કેન્દ્રીય પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા આ વિધેયક સત્તાવાર રીતે રજૂ કરવામાં આવશે. નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)
પેપર-લીક વિશે દેશવ્યાપી વિદ્યાર્થી-આંદોલન અને કેન્દ્રીય શિક્ષણપ્રધાનના રાજીનામા બાદ સરકારે આ કડક કાયદાકીય માળખું લાવવાનો નિર્ણય કર્યો છે. સરકાર આ બિલને સોમવારે રજૂ કરશે.

બિલની મુખ્ય જોગવાઈઓ
કડક સજા અને દંડ: સામાન્ય ગેરરીતિ માટે પાંચથી ૧૦ વર્ષની જેલ અને ૫૦ લાખ રૂપિયા સુધીનો દંડ, જ્યારે સંગઠિત પેપર-લીક કૌભાંડ માટે ૧૦ વર્ષ સુધીની કેદ અને ૧૦ કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. સમયમર્યાદામાં તપાસ: પેપર-લીકના કેસોની તપાસ બે મહિનાની અંદર પૂરી કરવી ફરજિયાત રહેશે. ફાસ્ટ ટ્રૅક કોર્ટ: તમામ રાજ્યોમાં વિશેષ ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવી રોજિંદી સુનાવણી હાથ ધરાશે અને ચાર્જશીટ દાખલ થયાના ૩ મહિનામાં ટ્રાયલ પૂરી કરાશે. જરૂર પડ્યે સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF)ની રચના પણ કરાશે.

national news india narendra modi sharad pawar nationalist congress party jantar mantar neet exam