17 April, 2026 12:31 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
ફાઉન્ડેશનના સામાજિક કલ્યાણના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રાલયે આ મંજૂરી આપી છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવનના શિખર ધવન ફાઉન્ડેશન અને મધ્ય પ્રદેશના પ્રસિદ્ધ કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના બાબા બાગેશ્વર ધામને વિદેશી ભંડોળ મેળવવા માટે ફૉરેન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન ઍક્ટ (FCRA) હેઠળ નોંધણીની મંજૂરી આપી દેવામાં આવી છે. આ મંજૂરી બાદ હવે આ બન્ને સંસ્થાઓ વિદેશમાંથી દાન અને ભંડોળ સ્વીકારી શકશે.
નોંધનીય છે કે આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા ગેરકાયદે બેટિંગ ઍપ 1xBet સાથે સંકળાયેલા મની-લૉન્ડરિંગ કેસમાં શિખર ધવન વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. ગયા વર્ષે આ મામલે શિખર ધવનની અંદાજે ૪.૫ કરોડ રૂપિયાની સંપત્તિ પણ ટાંચમાં લેવામાં આવી હતી. આમ છતાં ફાઉન્ડેશનના સામાજિક કલ્યાણના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રાલયે આ મંજૂરી આપી છે.
ગૃહમંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ૧૫ એપ્રિલ સુધીમાં કુલ ૩૮ NGOને આવી મંજૂરીઓ આપવામાં આવી છે. ગયા વર્ષે ૪૪૪ સંસ્થાઓને FCRA રજિસ્ટ્રેશન મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વિદેશી ભંડોળ મેળવવા ઇચ્છતી સંસ્થાઓએ કડક ચકાસણી-પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, જેમાં ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સંસ્થાના ઉદ્દેશો અને પૂર્વ ઇતિહાસની ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે.