કર્ણાટકમાં મુખ્ય પ્રધાનપદેથી સિદ્ધારમૈયા આઉટ, ડી. કે. શિવકુમાર ઇન

29 May, 2026 12:36 PM IST  |  karnataka | Gujarati Mid-day Correspondent

૨૦૨૩માં બન્ને નેતાઓ વચ્ચે થયેલી અઢી-અઢી વર્ષના મુખ્ય પ્રધાનપદની મૌખિક સમજૂતીના ભાગરૂપે કર્ણાટકમાં થયો મોટો બદલાવ

બૅન્ગલોરમાં રાજીનામું આપ્યા પછી કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ મીડિયાને સંબોધન કર્યું ત્યારે નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમાર પણ સાથે હતા.

કર્ણાટકની કૉન્ગ્રેસની સરકારમાં મુખ્ય પ્રધાનપદનો ચહેરો ગઈ કાલે બપારે બદલાઈ ગયો છે. ગઈ કાલે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ બૅન્ગલોરમાં એક પ્રેસ-કૉન્ફરન્સ કરીને રાજીનામું આપ્યાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘મેં પહેલાં પણ કહ્યું હતું કે હાઈ કમાન્ડ જ્યારે કહેશે ત્યારે હું રાજીનામું આપી દઈશ. ગઈ કાલે હાઈ કમાન્ડે કહ્યું અને આજે મેં રાજીનામું આપી દીધું.’
રાજ્યપાલ થાવર ચંદ ગેહલોટ પારિવારિક કારણોસર બૅન્ગલોરથી બહાર હોવાથી તેમણે રાજ્યપાલના સેક્રેટરીને રાજીનામું આપ્યું હતું. આ પછી હવે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર ડી. કે. શિવકુમારનું મુખ્ય પ્રધાન બનવાનું ફાઇનલ મનાઈ રહ્યું છે. આજે વિધાનસભ્યોની બેઠકમાં એની જાહેરાત કરવામાં આવશે.

રોટેટિંગ મુખ્ય પ્રધાન

સિદ્ધારમૈયાનું પદ પરથી હટવું એ રોટેટિંગ મુખ્ય પ્રધાનની ફૉર્મ્યુલા અંતર્ગત થયું હોવાનું મનાય છે. ૨૦૨૩ના મે મહિનામાં કૉન્ગ્રેસે કર્ણાટક વિધાનસભામાં બહુમત મેળવ્યો હતો. કૉન્ગ્રેસે અલ્પસંખ્યક, બૅકવર્ડ ક્લાસ, દલિત ફૉર્મ્યુલા પર જીત મેળવી હતી. સિદ્ધારમૈયા ખુદ કુરુબા જાતિના હોવાથી બૅકવર્ડ ક્લાસનું મોટું સમર્થન કૉન્ગ્રેસને મળ્યું હતું. એ વખતે સિદ્ધારમૈયાને ૧૩૫ વિધાનસભ્યોમાંથી ૯૦ વિધાનસભ્યોનું સમર્થન હતું, પરંતુ ડી. કે. શિવકુમારનો દાવો હતો કે તેમણે પાર્ટીને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી છે અને તેમને કારણે લિંગાયત અને વોક્કાલિંગા સમુદાયનો સાથ મળ્યો છે. બન્ને જીદ પર અડેલા રહેતાં બન્ને વચ્ચે અઢી-અઢી વર્ષના મુખ્ય પ્રધાનની ફૉર્મ્યુલા પર મૌખિક સહમતી બની હતી. 

નવા મુખ્ય પ્રધાન બનનાર શિવકુમાર કોણ છે?

ડી. કે. શિવકુમારનો રાજકીય ઠસ્સો કર્ણાટકમાં સારોએવો છે. જોકે એની સાથે તેમનું બૅન્ક-બૅલૅન્સ પણ તગડું છે. કર્ણાટકના સૌથી અમીર નેતાઓમાં તેમની ગણના થાય છે. ૨૦૨૩ની વિધાનસભાની ચૂંટણીમાં જાહેર કરેલી જાણકારી મુજબ તેમની પાસે ૧૪૦૦ કરોડ રૂપિયાથી વધુની પ્રૉપર્ટી છે. ૨૪૪ કરોડ રૂપિયા લિક્વિડ રકમ છે. અચલ સંપત્તિઓમાં ડી. કે. શિવકુમાર પાસે ૯૭૦ કરોડ રૂપિયાના મૉલ અને રિસૉર્ટ્‌સ છે. તેમના પરિવાર પાસે ૧૧૪૦ કરોડ રૂપિયાની પ્રૉપર્ટી છે. દિલ્હીથી લઈને બૅન્ગલોર સુધી તેમની પાસે અનેક ઘરો છે જેમની કુલ કિંમત ૮૪ કરોડ રૂપિયા જેટલી છે. કર્ણાટકના રામનગર જિલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલા શિવકુમાર કૉલેજમાં ભણતા હતા ત્યારથી કૉન્ગ્રેસના વિદ્યાર્થી સંગઠનમાં ગયા હતા. માત્ર ૨૩ વર્ષની ઉંમરે તેઓ એચ. ડી. દેવગૌડાની સામે સથનૂર બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઊતર્યા હતા. ભલે તેઓ હાર્યા હતા, પરંતુ પાંચ વર્ષ પછી એ જ બેઠક પર ચૂંટણી લડીને જીત્યા હતા અને કૉન્ગ્રેસના ટોચના નેતાઓમાં પોતાનું સ્થાન જમાવી દીધું હતું.

national news india political news indian politics karnataka bengaluru