✕

ભારતમાં ચિત્તા, વાઘ, સિંહ અને દીપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો

08 October, 2026 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પર્યાવરણ મંત્રાલયના રિપોર્ટ મુજબ ભારતમાં દીપડાની સંખ્યા ૧૩,૮૭૪ પર પહોંચી છે.

ચિત્તાની પ્રતીકાત્મક તસવીર

ભારતના વન્યજીવ સંરક્ષણના પ્રયાસો સકારાત્મક પરિણામો લાવી રહ્યાં છે અને ભારતમાં વાઘ, સિંહ, ચિત્તા અને દીપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતમાં ચિત્તા ૧૯૫૨માં નામશેષ થયા હતા. ૨૦૧૪માં ભારતમાં એક પણ ચિત્તો નહોતો પણ ચિત્તા પ્રોજેક્ટ હેઠળ ૨૦૨૨માં આફ્રિકાથી ચિત્તા લાવીને કુનો નૅશનલ પાર્કમાં રાખવામાં આવ્યા બાદ ભારતમાં ચિત્તાની સંખ્યા વધીને ૬૦ થઈ ગઈ છે. તાજેતરમાં પાંચ બચ્ચાંનો જન્મ થયો હતો. ભારતમાં ચિત્તાનાં કુલ ૪૧ બચ્ચાંનો જન્મ થયો છે.

ભારતમાં વાઘની સંખ્યા ૨૦૧૪માં ૨૨૨૬ હતી જે વધીને ૨૦૨૬માં લગભગ ૩૭૦૦ પર પહોંચી છે જે ૬૫ ટકાનો વધારો સૂચવે છે. દુનિયાના કુલ વાઘમાં ૭૫ ટકા વાઘ ભારતમાં છે. 
ગુજરાતના ગીર અને આસપાસનો વિસ્તાર એશિયાટિક સિંહોનું ઘર માનવામાં આવે છે અને ૨૦૨૫ની ૧૬મી સિંહગણતરી બાદ સિંહોની સંખ્યા વધીને ૮૯૧ થઈ છે. ૨૦૧૫માં સિંહોની સંખ્યા ૫૨૩ હતી જે ૭૦ ટકાનો વધારો દર્શાવે છે. પર્યાવરણ મંત્રાલયના રિપોર્ટ મુજબ ભારતમાં દીપડાની સંખ્યા ૧૩,૮૭૪ પર પહોંચી છે.

national news india wildlife gujarat news