25 September, 2026 12:35 PM IST | Sikkim | Gujarati Mid-day Online Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
તાજતેરમાં જ નેપાલમાં થયેલ જળપ્રકોપની તારાજીનો આધાત ઓછો થયો નથી ત્યાં જ ફરી એકવાર સિક્કિમમાં પરિસ્થિતિ વિકટ (Sikkim Landslide) બની હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. અહીં છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલા અતિમુશળધાર વરસાદને લીધે અનેક વિસ્તારોની હાલત કફોડી થઈ છે. પશ્ચિમ સિક્કિમના ગ્યાલશિંગ જિલ્લામાં આવેલા રિમ્બી ગામમાં આચનક મોડી રાત્રે લૅન્ડસ્લાઈડ થયું હતું. એકાએક ભેખડો ધસી પડવાથી નેપાલ બોર્ડર જેવા દૃશ્યો સામે આવ્યા છે. અનરાધાર વરસાદને લીધે પહાડો પરથી પથ્થરો અને માટી નીચે ધસી આવતાં ગામના અનેક મકાનો તૂટી પડ્યાં છે.
પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર લૅન્ડસ્લાઇડની હોનારતને લીધે સાત જેટલાં મકાન અને ઇલેક્ટ્રિસિટી વિભાગના છ નિવાસસ્થાનો કાટમાળ નીચે દબાઈ ગયા છે. તે સિવાય કેટલાય મકાનો તો કાટમાળના વહેતા તીવ્ર પ્રવાહ સાથે તણાઈ ગયા છે. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ હોનારતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. નોનસ્ટૉપ થઈ રહેલા વરસાદને પગલે રિમ્બી ગામના યુક્સમ-તાશિડોંગ વિસ્તારમાં પહાડ પરથી ભેખડો ધસી પડવાની ઘટના બની છે. આ જ હોનારતને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને સ્થાનિક બચાવ ટુકડીઓએ તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. હાલમાં સાવચેતીના પગલારૂપે અસરગ્રસ્ત વિસ્તારમાંથી ૧૨૮થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ટ્રાન્સફર કરી દેવાયા છે.
મોટા પ્રમાણમાં લૅન્ડસ્લાઇડ (Sikkim Landslide) થવાને લીધે રિમ્બી-ખેચુપેરી રોડ પણ બંધ થઈ ગયો છે. રસ્તા પર મોટા પ્રમાણમાં ભેખડો અને પથ્થરો આવી જવાથી વાહનવ્યવહાર પણ ખોટકાઇ ગયો છે. હાલમાં મલતી માહિતી અનુસાર રસ્તા પરથી કાટમાળ દૂર કરાઇ રહ્યો છે જેથી વાહનવ્યવહાર શરૂ કરી શકાય. પરંતુ એકધારા વરસાદને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં પણ મુશ્કેલી આવી રહી છે. આ સિવાય સિક્કિમના અન્ય વિસ્તારોમાં પણ નેશનલ હાઈવે ૧૦ પર વાહનોની અવરજવરને અસર પહોંચી છે, જેના કારણે સિંગતામ અને ગંગટોક વચ્ચેનો સંપર્ક પણ તૂટી ગયો છે.
DDMA દ્વારા નાગરિકોને હાલ ઘરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં તો ન જ જવાની સલાહ આપવામાં આવી છે કારણ કે અહીં લૅન્ડસ્લાઇડનો ખતરો (Sikkim Landslide) વધારે રહેલો છે.
સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંઘ તમાંગે રિમ્બી ખાતે સર્જાયેલી પરિસ્થિતિ અંગે ચિંતા (Sikkim Landslide) વ્યક્ત કરતાં જણાવ્યું છે કે રિમ્બીમાં મોટા પ્રમાણમાં થયેલ ભૂસ્ખલનથી અતિશય ચિંતાનો વિષય છે. નાગરિકોની સુરક્ષા અને સુવિધાઓ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ મુશ્કેલ સમયમાં સરકાર રિમ્બીના લોકોની સાથે મક્કમતાથી ઊભી છે." આ સાથે જ તેઓએ સંબંધિત અધિકારીઓને હાઈ અલર્ટ પર રહેવા અને પરિસ્થિતિ પર સતત નજર રાખવાના નિર્દેશ આપ્યા છે.