22 April, 2026 10:25 AM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent
વૈષ્ણોદેવી
જમ્મુ અને કાશ્મીરમાં આવેલા વૈષ્ણોદેવી માતાના મંદિરમાં માતાજીને ધરાવવા માટે સ્થાનિક દુકાનોમાંથી ખરીદવામાં આવતા ચાંદીના સિક્કા કે દાગીનામાં મોટા પાયે ભેળસેળ થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે અને ચાંદીના નામે જે દાગીના કે સિક્કા ખરીદવામાં આવે છે એમાં ચાંદી તો માત્ર પાંચથી ૬ ટકા હોય છે, બાકીની મિલાવટ છે જેમાં લોખંડ અથવા કેડમિયમ નામની એક ઝેરી ધાતુનો સમાવેશ છે જે કૅન્સરનું પણ કારણ બને છે. સ્થાનિક ઝવેરીઓ પ્રસાદમાં વપરાતી ચાંદીને ‘ઝેર’ ભેળવીને વેચી રહ્યા છે. એક તપાસમાં આ વાત બહાર આવી છે.
તાજેતરમાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે સરકારી ટંકશાળમાં ભેટ તરીકે મળેલી આશરે ૨૦ ટન ચાંદી પીગાળવા અને સાચવવા માટે મોકલી હતી. એવી અપેક્ષા હતી કે ચાંદીમાંથી આશરે પાંચસોથી ૫૫૦ કરોડ રૂપિયાની અસલી ચાંદી મળશે. જોકે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે અસલી ચાંદીની કિંમત માત્ર ૩૦ કરોડ હોઈ શકે છે. ચાંદીમાં નોંધપાત્ર પ્રમાણમાં કૅડમિયમ અને લોખંડ હતું. અસલી ચાંદીની કિંમત આશરે અઢી લાખ રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે કૅડમિયમ માત્ર ૪૦૦થી ૫૦૦ રૂપિયે પ્રતિ કિલોમાં ઉપલબ્ધ છે. બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના નિયમો હેઠળ ગ્રાહકો માટેના માલમાં કૅડમિયમનો ઉપયોગ પ્રતિબંધિત છે.
સરકારી ટંકશાળના અધિકારીઓએ આ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. કૅડમિયમ એક એવી ધાતુ છે જે દેખાવમાં ચાંદી જેવી લાગે છે, પરંતુ એ ખૂબ જ ઝેરી છે. કૅડમિયમ દ્વારા નીકળતો ધુમાડો કાર્સિનોજેનિક છે. એ હવા અને પાણીને પ્રદૂષિત કરે છે, અને એને પીગાળવાથી પણ કામદારો માટે જીવલેણ બની શકે છે.