26 October, 2026 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કેન્દ્ર સરકારે ‘ઑપરેશન ટ્રાઇડન્ટ’ દ્વારા માદક દ્રવ્યો સામેના એના ઑપરેશનમાં આસામ, મિઝોરમ અને મણિપુરમાં ૩૮ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા અને એક ઇન્ટરનૅશનલ નાર્કો-કાર્ટેલનો પર્દાફાશ કર્યો હતો. આ નેટવર્ક ભારત, મ્યાનમાર અને બંગલાદેશની સરહદો પાર કરીને ડેથ ટ્રાયેન્ગલ કૉરિડોર દ્વારા ડ્રગ્સની દાણચોરી કરતું હતું.
આ મુદ્દે ગૃહપ્રધાન અમિત શાહે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું હતું કે ‘મોદી સરકારે ઑપરેશન ટ્રાઇડન્ટ દ્વારા ડ્રગ્સ સામે વધુ એક મજબૂત હુમલો શરૂ કર્યો છે. ૨૩ ઑક્ટોબરે અમારી એજન્સીઓએ આસામ, મિઝોરમ અને મણિપુરમાં ૩૮ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા અને એક ઇન્ટરનૅશનલ નાર્કો-કાર્ટેલનો નાશ કર્યો હતો. આ કામગીરીમાં ૧૦૦ કરોડ રૂપિયાના હવાલાના વ્યવહારોનો પર્દાફાશ થયો હતો, ૧૪૨૪ બૅન્ક-અકાઉન્ટ સ્થગિત કરવામાં આવ્યાં હતાં, ૧૭.૮૨ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી, ૫૦૦ ડિટોનેટર અને ૧૨ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા અને ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.’
ગૃહપ્રધાન અમિત શાહે ૨૦૨૯ની ૩૧ ડિસેમ્બર સુધીમાં માદક દ્રવ્યોના નેટવર્કને નાબૂદ કરવાનો સંકલ્પ લીધો છે. આ ઑપરેશન બાદ ગૃહપ્રધાને નશીલા ડ્રગ્સ સામેના અભિયાનમાં કેન્દ્રની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.