રામ મંદિરના દાનની રકમના ગોટાળામાં SITની તપાસ શરૂ

16 June, 2026 09:52 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

ટીમ ડાયરેક્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની ઑફિસે પહોંચી હતી અને તરત દસ્તાવેજો, રસીદો અને નાણાકીય રેકૉર્ડ્સની તપાસ શરૂ કરી દીધી હતી

અયોધ્યા રામ મંદિર

અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોએ ચડાવેલા દાનમાં થયેલી ગરબડના આરોપોની તપાસ માટે બનેલી ૩ સભ્યોની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ગઈ કાલે બપોરે ૨.૫૦ વાગ્યે અયોધ્યા પહોંચી ગઈ હતી. ટીમ ડાયરેક્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની ઑફિસે પહોંચી હતી અને તરત દસ્તાવેજો, રસીદો અને નાણાકીય રેકૉર્ડ્સની તપાસ શરૂ કરી દીધી હતી. SITએ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય પાસેથી માહિતી લીધી હતી. અયોધ્યા પહોંચતાં પહેલાં તપાસસમિતિના સભ્યો લખનઉમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મળ્યા હતા. તપાસસમિતિમાં લખનઉના કમિશનર વિજય વિશ્વાસ પંત, ઇન્સ્પેક્ટર જનરલ કિરણ એસ. અને નાણાકીય વિભાગના સ્પેશ્યલ સેક્રેટરી નીલરતન સામેલ છે. 

એવું જાણવા મળ્યું છે કે જે કર્મચારીઓ પર શંકા છે તેમને શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રની ટ્રસ્ટની ઑફિસની એક રૂમમાં બેસાડવામાં આવ્યા હતા અને ટ્રસ્ટના સભ્યો અને કર્મચારીઓની લગભગ બે કલાક સુધી પૂછપરછ ચાલી હતી. રાજ્ય સરકારે તપાસસમિતિને ૭ દિવસમાં પ્રારંભિક રિપોર્ટ અને ૧૫ દિવસમાં ફાઇનલ રિપોર્ટ આપવાનો નિર્દેશ કર્યો છે. હવે આખી રામનગરીની નજર આ તપાસસમિતિની કાર્યવાહી પર મંડાયેલી છે. 

ગઈ કાલે સમિતિએ દસ્તાવેજોની સાથે સૌથી પહેલાં રામ મંદિરના પરિસરમાં ક્યાં-ક્યાં CCTV કૅમેરા લાગેલા છે એની નોંધ કરી હતી. મંદિરનું ઓવરઑલ મૅનેજમેન્ટ સંભાળતા ગોપાલ રાવ પાસેથી તમામ વ્યવસ્થાઓ વિશે જાણ્યું હતું. સામાન્ય રીતે કયા કક્ષમાં દાનની ગણતરી થાય છે અને ક્યાં રકમ મુકાય છે એ રૂમોનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું.

યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘રામ મંદિરમાં ચાલી રહેલી આ તપાસ માત્ર એક નાણાકીય ગોટાળાની જ તપાસ નથી, શ્રદ્ધાળુઓના વિશ્વાસને વધુ મજબૂત કરવાની પ્રક્રિયા છે. એનાથી મંદિરમાં શ્રદ્ધાળુઓની આસ્થાને કોઈ અસર નથી થઈ, પરંતુ વ્યવસ્થાની પારદર્શિતા માટે આ જરૂરી છે.’

શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ કહ્યું હતું કે ‘હવે આ મામલે કોઈ ઢીલાશ નહીં સહન કરવામાં આવે. તપાસ અને સુધાર બન્ને પર કામ કરવામાં આવશે જેથી શ્રદ્ધાળુઓનો ભરોસો બની રહે.’

૨૦૦ કરોડનો ગોટાળો, ૨ કરોડ મળ્યા 

એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં રામ મંદિરમાં લગભગ ૨૦૦ કરોડ રૂપિયાનો ગોટાળો થયો હોઈ શકે છે. આ મામલે પાંચ લોકોનાં નામ અત્યાર સુધીમાં સામે આવ્યાં છે. રામ શંકર યાદવ, લવકુશ મિશ્ર, અવનીશ, અનુકલ્પ અને કરુણ પાસેથી અત્યાર સુધીમાં બે કરોડ રૂપિયા રિકવર થયા છે. આ તમામ કર્મચારીઓ દાનની રાશિની ગણતરીની ડ્યુટી સાથે સંકળાયેલા છે. લવકુશ અને અનુકલ્પ અત્યારે પોલીસ-કસ્ટડીમાં છે.          

કૅમેરા બંધ કરીને ચડાવો પાછો આપી દો, ભગવાન રામ માફ કરશે : અખિલેશ યાદવ

રામ મંદિરમાં ચડાવામાં ગેરરીતિનો આરોપ લગાવ્યા બાદ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે હવે એક મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે ‘એ વાત દુર્ભાગ્યપૂર્ણ છે કે રામ મંદિરમાં ચડાવામાં ચોરી બાદ હવે અધિકારીઓ દ્વારા રામ મંદિર અને સાધુઓની તપાસ કરવામાં આવશે. સનાતન ધર્મ માટે આનાથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે? આ સનાતન ધર્મનું અપમાન છે. જો કંઈક થયું હોય તો કૅમેરા બંધ કરો, એકબીજા સાથે વાત કરો અને ચડાવો પાછો કરો. ભગવાન શ્રી રામ તમને માફ કરશે.’

અયોધ્યામાં લાગ્યાં બૅનરો ઃ રામલલાના ચડાવાનાં નાણાં ખાશે તે ૬૦,૦૦૦ વર્ષ સુધી નરકમાં કીડા બનીને જન્મ લેશે

અયોધ્યામાં મંદિરના ચડાવાનાં નાણાં ચોરવાના આરોપ વચ્ચે ઉત્તર પ્રદેશ યુવા કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ શરદ શુક્લાએ અયોધ્યામાં બૅનરો લગાવ્યાં હતાં જેમાં લખવામાં આવ્યું હતું કે જે વ્યક્તિ મંદિરને દાન કરવામાં આવેલી જમીન અથવા સંપત્તિ ચોરી કરે છે તેને ૬૦,૦૦૦ વર્ષ સુધી નરકમાં કીડારૂપે જન્મ લેવો પડે છે. કૉન્ગ્રેસનાં બૅનરોમાં સ્કંદપુરાણના એક શ્લોકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભગવાન રામ ન્યાય કરશે; જે કોઈ મંદિરને દાનમાં આપેલી જમીન, મિલકત અથવા પૈસા હડપ કરે છે તે ધાર્મિક ગ્રંથો અનુસાર ગંભીર પાપનો ભાગીદાર બને છે; જે કોઈ દાન હડપ કરે છે અથવા ચોરી કરે છે તે ૬૦,૦૦૦ વર્ષ સુધી નરકમાં કીડા તરીકે જન્મ લે છે. 
આવાં હોર્ડિંગ્સની માહિતી મળતાં જ પ્રશાસને સક્રિય થઈને ગઈ કાલે સવારે હોર્ડિંગ્સ હટાવી દીધાં હતાં. 

national news india ram mandir ayodhya religious places akhilesh yadav