ઉત્તર ભારતમાં ફરી માર્ચ મહિનામાં છવાઈ બરફની ચાદર

17 March, 2026 10:23 AM IST  |  Jammu and kashmir | Gujarati Mid-day Correspondent

ભારે બરફવર્ષાને કારણે કુલુ પાસે અટલ ટનલમાં ૧૦૦૦થી વધુ ગાડીઓ ફસાઈ : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ફસાયેલા ૨૧૪ સહેલાણીઓને સેનાએ રેસ્ક્યુ કર્યા: બદરીનાથ ધામે ઓઢી બરફની ચાદર

ગઈ કાલે અટલ ટનલમાં અટવાયેલાં વાહનો.

હિમાચલ પ્રદેશના કુલુમાં અચાનક થયેલી ભારે બરફવર્ષાને કારણે ગઈ કાલે અટલ ટનલની અંદર ૧૦૦૦થી વધુ ગાડીઓ ફસાઈ ગઈ હતી. માર્ચ મહિનામાં અહીં સ્નો એટલોબધો જમા થઈ ગયો છે કે એને દૂર કરવા માટે સ્નો સાફ કરનારાં મશીનો કામે લાગ્યાં હતાં. 

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સિંથન ટૉપ પર બરફવર્ષાને કારણે ફસાઈ ગયેલા સહેલાણીઓને બચાવવા માટે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીરના પોલીસોએ મહેનત કરી હતી. સમુદ્રની સપાટીથી ૧૩,૦૦૦ ફુટ ઊંચે સિંથન ટૉપ પર ભારે બરફવર્ષાને કારણે ૨૧૪ યાત્રીઓ ફસાયા હતા. અનંતનાગ જિલ્લા અને કિશ્તવાડને જોડતા મુખ્ય રસ્તા પર આવેલા સિંથન ટૉપ પર બરફવર્ષાને કારણે રસ્તો બેહદ લપસણો થઈ ગયો હતો. 

રવિવારથી ઉત્તરાખંડમાં પણ વરસાદ અને બરફવર્ષા ચાલી રહી છે એને કારણે બદરીનાથ ધામ પર પણ બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. ચમોલી, જોશીમઠ, ઔલી, હેમકુંડ સાહિબ એમ તમામ વિસ્તારોએ માર્ચ મહિનામાં બરફની ચાદર ઓઢી લીધી છે.

national news india badrinath jammu and kashmir indian meteorological department himachal pradesh