23 July, 2026 10:20 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
જંતરમંતર પર ઠેકઠેકાણેથી આવેલું ફૂડ.
દિલ્હીના જંતર-મંતર ખાતે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શનમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. પ્રદર્શનકારીઓ માટે દેશભરમાંથી લોકોએ એટલી મોટી સંખ્યામાં ભોજન મોકલ્યું કે આયોજકોએ લોકોને વધુ ભોજન ન મોકલવા વિનંતી કરવી પડી હતી.
સમગ્ર દેશના લોકો જે પ્રત્યક્ષ આંદોલનને સપોર્ટ નથી કરી શકતા તે સેવાભાવથી જંતરમંતર પર ફૂડ ડિલિવરી ઍપ્સ દ્વારા સીધા ભોજન ઑર્ડર કરીને મોકલતા હતા. આ ઉપરાંત સ્થાનિક લોકો પોતે ઘરેથી બનાવેલું ખાવાનું, નાસ્તો,
ચા અને પાણી લઈને પ્રદર્શનસ્થળે પહોંચતા હતા.
મંગળવારે રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ભોજનનો એટલો મોટો જથ્થો ભેગો થઈ ગયો કે CJPએ રાત્રે ૧૦:૫૫ વાગ્યે સોશ્યલ મીડિયા પર અપીલ કરતાં લખ્યું કે ‘ભારત ખૂબ જ અદ્ભુત દેશ છે અને અહીંના લોકો પણ ખૂબ સુંદર છે. ભોજન મોકલવા બદલ આભાર, પરંતુ આજે અમારી પાસે પૂરતું ભોજન આવી ગયું છે, કૃપા કરીને હવે વધુ ન મોકલો!’
આંદોલનકારીઓને માત્ર ચાર સ્લોગન બોલવાનો CJPનો આદેશ
દિલ્હીના જંતરમંતર પર મોટી સંખ્યામાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને ફક્ત ચાર સ્લોગન બોલવા માટે જણાવવામાં આવ્યું છે. CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હવેથી સૂત્રોચ્ચાર માટે ફક્ત ચાર સ્લોગનનો ઉપયોગ કરીશું. આ સ્લોગનમાં ‘ભારત માતા કી જય,’
‘ઇન્કિલાબ-ઝિંદાબાદ’, ‘જય ભીમ’, અને ‘ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો’નો સમાવેશ છે. વિરોધ-પ્રદર્શનનો વિરોધ કરનારાઓ એવી તક શોધી રહ્યા છે કે આપણે ફરીથી ભૂલ કરીએ અને તેમને આપણી વિરુદ્ધ નૅરેટિવ બનાવવાનો મોકો મળે, આપણે તેમના નૅરેટિવમાં ન ફસાવું જોઈએ.’
આશુતોષ રાંકાએ વિદ્યાર્થીઓને એમ પણ કહ્યું કે ‘અહીં કોઈ પણ પ્રકારના અયોગ્ય સ્લોગનને સહન કરવામાં નહીં આવે. જો કોઈ અલગ સ્લોગન બોલે છે તો તેને ચૂપ કરાવવાની જવાબદારી આપણી રહેશે. આપણે જંતરમંતર પરિસરમાં રહેવું જોઈએ અને એ છોડવું ન જોઈએ. આપણે બીજાઓને ખલેલ ન પહોંચાડવી જોઈએ. સરકાર અહીં આપણી હાજરીથી પહેલાંથી જ પરેશાન છે.’