૧૦ દિવસ પછી જેનાં લગ્ન હતાં એ દીકરાને નગ્ન કરીને જાહેરમાં માર્યો એ રેપ ન કહેવાય?

07 January, 2026 10:01 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં પિતા-પુત્ર સાથે થયેલી ભયાનક મારપીટ પછી દીકરાની માએ ઉઠાવ્યા વેધક સવાલ

હિંસક મારપીટ

દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં એક જિમની માલિકીને લઈને થયેલા વિવાદમાં આખા પરિવારની બેરહેમીથી મારઝૂડ કરવામાં આવી હતી. વિવાદ પ્રૉપર્ટીને લઈને હતો અને પીડિત પરિવારનું કહેવું છે કે તેમની સાથે દગો થયો હતો. જ્યારે તેમણે વિરોધ કર્યો તો તેમની સાથે હિંસક મારપીટ કરવામાં આવી હતી. રાજેશ ગર્ગ પત્ની સાથે મળીને ઘરના બેઝમેન્ટમાં જિમ ચલાવતા હતા. જોકે જિમના કૅરટેકર સતીશ યાદવ ઉર્ફ પિન્ટુ યાદવે દગો કરીને એ પચાવી પાડ્યું હતું. આ મામલે વિવાદ થતાં સતીશ યાદવે ગર્ગ પરિવાર સાથે મારઝૂડ કરી હતી.

બીજી જાન્યુઆરીએ ઘટેલી આ ઘટનામાં પોલીસ જ્યારે પહોંચી ત્યારે પતિ-પત્ની અને તેમનો દીકરો ઘાયલ અવસ્થામાં હતાં અને આરોપીઓ ભાગી છૂટ્યા હતા. ઘાયલોને હેડગેવાર હૉસ્પિટલ લઈ જવાયાં હતાં. 

ઘટના સમયે શું થયું હતું એનો હૃદયદ્રાવક ચિતાર રાજેશ ગર્ગની પત્નીએ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘એ દિવસે હું અને મારા પતિ ઘરની બહાર ઊભાં હતાં. શું અમે ઘરની બહાર ઊભાં ન રહી શકીએ? જોકે એ જ વખતે શુભમ યાદવ અને  સતીશ યાદવ નામના બે માણસો આવ્યા. એકે મારા પતિને પકડી લીધો. મેં તેમને બચાવવાની કોશિશ કરી તો તેમણે મારા પતિને મારવાનું શરૂ કર્યું. તેના દીકરાએ મને મારવાનું શરૂ કર્યું. હું પતિને બચાવું એ પહેલાં તેણે મને ધક્કો આપ્યો. તેણે મને પેટમાં લાત મારી, મારા વાળ ખેંચીને ઢસડી અને મને અપમાનિત કરી. હું મદદ માટે પોલીસ-સ્ટેશન ભાગી. ત્યાં સુધીમાં એ લોકો મારા ઘરમાં ઘૂસી ચૂક્યા હતા. તેમણે મારા દીકરાને ઢસડીને બહાર કાઢ્યો. તેનાં બધાં કપડાં ઉતારી દીધાં અને નગ્ન કરીને માર્યો. લોકો જોઈ રહ્યા હતા. મારો દીકરો હાથ જોડીને વિનંતી કરતો રહ્યો, શું આ રેપથી કમ છે?’

પીડિત પતિએ કહ્યું હતું કે ‘બીજી જાન્યુઆરીએ ભરબપોરે હું ઘરની બહાર હતો ત્યારે પિન્ટુ યાદવ અને તેના નોકર શુભમ યાદવે મને માર્યો, મારાં કપડાં ફાડી નાખ્યાં અને ચહેરા પર મુક્કા માર્યા. પિન્ટુ યાદવનું અમારા ઘરની નીચે એક ફિટનેસ સેન્ટર છે. મારા દીકરાનાં ૧૦ દિવસ પછી લગ્ન છે. તેને બહુ ખરાબ રીતે માર્યો. મેં તેને રોડ પર પડેલો જોયો. મારા બન્ને દીકરાઓ ઘર છોડીને જતા રહ્યા છે. તેમણે મોબાઇલ ફોન પણ બંધ કરી દીધો છે. મને ખબર નથી કે તેઓ ક્યાં છે? ’
પોલીસે પિન્ટુ યાદવને પકડ્યો છે અને બાકીના આરોપીઓ ફરાર છે.

national news india delhi news new delhi Crime News delhi police