કૉન્ગ્રેસમાં મંથન, સોનિયા ગાંધીએ શિસ્ત અને એકતા પર મૂક્યો ભાર

27 October, 2021 09:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પાર્ટી દેશવ્યાપી સભ્યપદ અભિયાન હાથ ધરશે, બીજેપી-આરએસએસના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવો જરૂરી

સોનિયા ગાંધી

મંગળવારે કૉન્ગ્રેસ પક્ષે જાહેરાત કરી હતી કે કૉન્ગ્રેસ દેશવ્યાપી સભ્યપદ અભિયાન હાથ ધરવાની છે. ૧ નવેમ્બરથી ૩૧ માર્ચ સુધી ચાલનારા આ અભિયાનમાં કૉન્ગ્રેસ વિચારધારાનું યુદ્ધ લડવા માટે તાલીમ કાર્યક્રમો પણ યોજશે. કૉન્ગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગઈ કાલે પક્ષની અંદર શિસ્ત અને એકતા ટકાવી રાખવા પર ભાર મૂક્યો અને કહ્યું કે પક્ષમાં રાજ્યસ્તરના નેતાઓ વચ્ચે સમન્વયનો અભાવ જણાય છે. પક્ષના મહાસચિવ, પ્રદેશ પ્રભારીઓ અને પ્રદેશ અધ્યક્ષની બેઠકમાં કેન્દ્રની મોદી સરકારની ટીકા કરતાં પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને આહવાન કર્યું કે આ લડાઈ જો જીતવી હશે તો લોક સમક્ષ બીજેપી-આરએસએસના દુષ્પ્રચાર અને જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કરવો પડશે.

ગઈ કાલે પક્ષનાં અધ્યક્ષ સોનિયા ગાંધી, ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રદેશ પ્રમુખો અને પક્ષના અન્ય હોદ્દેદારોની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ૧ નવેમ્બર ૨૦૨૧થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી કૉન્ગ્રેસ સભ્યપદ માટેનું મહાઅભિયાન હાથ ધરશે અને આ અભિયાન દ્વારા દેશના ખૂણેખૂણામાં, દરેક ગલીકૂચીમાં, દરેક ગામમાં પહોંચી દેશવાસીઓની મહત્ત્વકાંક્ષાઓને વાચા આપવાનો પ્રયાસ કરશે. મુખ્ય લક્ષ્ય પહેલીવારના મતદારો પર રહેશે. સોશ્યલ મીડિયા અને અન્ય માધ્યમોના ઉપયોગથી ફેલાવવામાં આવી રહેલાં ઝેરીલાં વચનો, અસત્યો અને દ્વેષપૂર્ણ પ્રચારને લડત આપવા માટે કૉન્ગ્રેસ નીતિ-આધારિત તાલીમ કાર્યક્રમનું આયોજન કરશે.

national news sonia gandhi