22 October, 2026 08:51 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
કોર્ટના આ આદેશ બાદ બન્ને નેતાઓ રાત્રે તિહાર જેલમાંથી બહાર આવી ગયા હતા.
દિલ્હીની સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ (SEM) કોર્ટે કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને બુધવારે જામીન આપીને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આ આદેશ બાદ બન્ને નેતાઓ રાત્રે તિહાર જેલમાંથી બહાર આવી ગયા હતા. અદાલતે બન્નેને શાંતિ જાળવવાની અને જંતર મંતર પર પ્રદર્શન ન કરવાની કડક શરતે આ રાહત આપી હતી.
જેલમાંથી બહાર આવ્યા બાદ સૌરવ દાસે જણાવ્યું હતું કે આખરે સત્યનો વિજય થયો છે. પાર્ટીનાં લીગલ હેડ રત્ના સિંહે આ નિર્ણયનું સ્વાગત કરતાં કહ્યું હતું કે આ નિર્ણય ઘણો વહેલો લેવાવો જોઈતો હતો. બીજી તરફ આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે સોશ્યલ મીડિયા પર બન્ને નેતાઓને અભિનંદન પાઠવતાં લખ્યું હતું કે
આખી લડાઈમાં સમગ્ર દેશ તમારી સાથે ઊભો છે.
આ ઉપરાંત CJPના સ્થાપક અભિજિત દીપકેએ પણ પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે સૌરવ અને આશુતોષ મારા કરતાં પણ ઘણા મોટા નેતા છે અને તેમના આવ્યા બાદ પાર્ટી હવે આગળની નવી રણનીતિ નક્કી કરશે. અદાલતે આગામી સુનાવણી ૨૩ ઑક્ટોબરે નિયત કરી છે, જેમાં બન્ને નેતાઓએ પોતાના જામીનદાર રજૂ કરવા પડશે અને પોલીસે ચકાસણી-અહેવાલ સુપરત કરવાનો રહેશે.
આશુતોષ રાંકા અને સૌરવ દાસની ઉંમર જાણ્યા બાદ દિલ્હી હાઈ કોર્ટે કહ્યું કે તમે જેન-ઝી નથી
દિલ્હી હાઈ કોર્ટે ગઈ કાલે કૉક્રૉચ જનતા પાર્ટી
(CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ઉંમર વિશે એક કમેન્ટ કરી હતી. આ નેતાઓએ જંતર મંતર ખાતે પ્રતિબંધાત્મક આદેશોનું ઉલ્લંઘન કરીને રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કેસમાં તેમની જ્યુડિશ્યલ કસ્ટડી લંબાવવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો..
બન્ને અરજદારો વતી હાજર રહેલા વકીલ અભિક ચીમનીએ કોર્ટને જણાવ્યું કે સૌરવ દાસની ઉંમર ૨૭ વર્ષ અને આશુતોષ રાંકાની ઉંમર ૩૨ વર્ષ છે ત્યારે કોર્ટે કમેન્ટ કરી હતી કે ‘તો પછી તમે જેન-ઝી (Gen Z) નથી. જેન-ઝી શું છે?’
૧૯૯૭ પછી જન્મેલા લોકોને જેન-ઝી ગણવામાં આવે છે, એવું કોર્ટને જણાવવામાં આવતા કોર્ટે ફરી કહ્યું હતું કે ‘તો પછી તમે જેન-ઝી નથી.’
સુનાવણી વખતે કોર્ટે બેઉ અરજદારોને ફટકારતાં તેમણે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.
ત્યાર બાદ દિલ્હીની સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટે બન્નેને જામીન આપ્યા હતા.