ઑપરેશન ઓસામામાં અમેરિકાને મદદ કરનાર ખાસ બ્રીડના કૂતરા ઇન્ડિયન આર્મીને મળ્યા

29 November, 2021 02:56 PM IST  |  New Delhi | Agency

આ બ્રીડ શહેરી વિસ્તારોમાં ચલાવવામાં આવતા ઑપરેશન્સ દરમ્યાન એની આક્રમકતા અને જાસૂસી કુશળતા માટે જાણીતી છે.

સીરિયામાં ૨૦૧૯માં આઇએસના નેતા અબુ બકરને ખલાસ કરવાના ઑપરેશનમાં એનો રોલ હતો.

ભારતીય આર્મીને ખાસ શિકારી કૂતરા બેલ્જિયન મેલિનોઇસ મળી ગયા છે. આ બ્રીડ શહેરી વિસ્તારોમાં ચલાવવામાં આવતા ઑપરેશન્સ દરમ્યાન એની આક્રમકતા અને જાસૂસી કુશળતા માટે જાણીતી છે. આર્મીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં ટ્રેઇન્ડ બેલ્જિયન મેલિનોઇસ જવાનના આદેશ પર ઝડપથી એક તળાવ પાર કરતો જોવા મળ્યો હતો.
આર્મીએ પોતાના ​ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે ‘આ બ્રીડ સ્પીડ, સ્ફૂર્તિ, સહનશીલતા, કરડવાની ક્ષમતા, ઇન્ટેલિજન્સી માટે જાણીતી છે. તેને સારી રીતે ટ્રેઇન્ડ કરી શકાય છે.’
આમ તો આર્મીને બેલ્જિયન મેલિનોઇસ પહેલાં જ ટ્રેનિંગ માટે મળ્યા હતા. જોકે હવે કેટલી સંખ્યામાં આ બ્રીડના કૂતરા મળ્યા છે એ વિશે કોઈ જાણકારી મળી શકી નથી. સૌથી પહેલાં સીઆરપીએફે એનો ઉપયોગ નક્સલવિરોધી અભિયાન માટે કર્યો હતો. એ પછી આઇટીબીપી અને એનએસજીએ પણ બેલ્જિયન મેલિનોઇસનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. 

શા માટે લોકપ્રિય છે?: અમેરિકન આર્મીએ આ કૂતરાનો ઉપયોગ કરીને બે મોટાં ઑપરેશન્સને પાર પાડ્યાં છે. જેમાં એક ઑપરેશન ઓસામા બિન લાદેનને એબટાબાદમાં મારી નાખવાનું પણ હતું. એ સિવાય સીરિયામાં ૨૦૧૯માં આઇએસના નેતા અબુ બકરને ખલાસ કરવાના ઑપરેશનમાં એનો રોલ હતો.

national news