ઇન્દોરમાં છ વર્ષથી માત્ર પેપર પર ચાલતી હૉસ્પિટલમાં ૮૭ લોકોનો સ્ટાફ

06 July, 2026 09:06 AM IST  |  Indore | Gujarati Mid-day Correspondent

જૂન ૨૦૨૦માં મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ માટે હજી સુધી બાંધકામની જમીન ફાળવવામાં આવી ન હોવાથી એ પ્રોજેક્ટ અટકી ગયો છે

ઇન્દોરના ખજરાનામાં પ્રસ્તાવિત ૧૦૦ બેડની સિવિલ હૉસ્પિટલ

ઇન્દોરના ખજરાનામાં પ્રસ્તાવિત ૧૦૦ બેડની સિવિલ હૉસ્પિટલ રાજકીય વિવાદનું કેન્દ્ર બની ગઈ છે, કારણ કે આ હૉસ્પિટલ ક્યારેય બની ન હોવા છતાં ૮૭ સરકારી જગ્યાઓ મંજૂર કરવામાં આવી હતી અને છેલ્લાં ૬ વર્ષમાં સ્ટાફ એના નામે ટ્રાન્સફર કરવામાં આવતો રહ્યો હતો. ખજરાણા અને આસપાસના વિસ્તારોના લાખો રહેવાસીઓ સારવાર માટે અન્ય સરકારી હૉસ્પિટલો પર આધાર રાખે છે.

જૂન ૨૦૨૦માં મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ માટે હજી સુધી બાંધકામની જમીન ફાળવવામાં આવી ન હોવાથી એ પ્રોજેક્ટ અટકી ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર હૉસ્પિટલનું નિર્માણ ન થાય ત્યાં સુધી મંજૂર કરાયેલા ડૉક્ટરો, નર્સો અને પૅરામેડિકલ સ્ટાફને શહેરભરમાં સંજીવની ક્લિનિક્સ, પી. સી. સેઠી હૉસ્પિટલ, હુકમચંદ હૉસ્પિટલ અને અન્ય સરકારી આરોગ્યસંભાળ સુવિધાઓમાં અસ્થાયીરૂપે તહેનાત કરવામાં આવ્યા છે.

આ મુદ્દે ચીફ મેડિકલ અને હેલ્થ-ઑફિસર ડૉ. માધવ હસાની અને નાયબ મુખ્ય પ્રધાન અને આરોગ્યપ્રધાન રાજેન્દ્ર શુક્લાએ જણાવ્યું હતું કે યોગ્ય સરકારી જમીન ઉપલબ્ધ ન હોવાને કારણે વિલંબ થયો છે, જ્યારે મંજૂર કરાયેલા કર્મચારીઓ અન્યત્ર સક્રિય રીતે સેવા આપી રહ્યા છે. 

જોકે કૉન્ગ્રેસે આ ઘટનાને મોટું કૌભાંડ ગણાવ્યું છે. ભૂતપૂર્વ પ્રધાન સજ્જન સિંહ વર્માએ આ મુદ્દે ઉચ્ચ સ્તરની તપાસની માગણી કરી છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે ફક્ત કાગળ પર અસ્તિત્વ ધરાવતી હૉસ્પિટલ માટે નિમણૂકો અને બદલીઓ કેવી રીતે ચાલી રહી છે.   

national news india indore Crime News congress