સ્ત્રીધન પર પુરુષનો અધિકાર જ નથી હોતો : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

26 April, 2024 08:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ સ્ત્રીધનનો ઉપયોગ પતિ કપરા સમયે કરી શકે, પણ એ ચીજો તેણે પત્નીને ફરી ખરીદી આપવી એ તેની નૈતિક ફરજ છે.’

સુપ્રીમ કોર્ટની તસવીર

કોઈ પણ પુરુષનો મહિલાના સ્ત્રીધન (દાગીના) પર અધિકાર હોતો નથી અને જો કપરા સમયમાં સ્ત્રીધન વેચવાની મજબૂરી આવી પડે તો પતિની એ નૈતિક ફરજ છે કે તેણે પત્નીને પાછું આપવું જોઈએ. પતિએ પત્નીનું ૮૯ તોલા સોનું વેચી દીધું હતું એવા કેસમાં સુપ્રીમ કોર્ટે તેના પતિને સોનાના બદલામાં પચીસ લાખ રૂપિયા ચૂકવી દેવાનો આદેશ આપ્યો હતો. આ મહિલાએ દાવો કર્યો હતો કે તેના પિતાએ તેને લગ્ન સમયે ૮૯ તોલા સોનું આપ્યું હતું અને લગ્ન બાદ તેના પિતાએ તેના પતિને બે લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો.સોનું સલામત રીતે રાખી દેવાના બહાને પતિએ લગ્નની રાતે પત્ની પાસેથી બધું સોનું લઈને મમ્મીને આપી દીધું હતું. પતિ અને તેની મમ્મીએ તેમની નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરવા આ સોનું વેચી દીધું હતું. સ્ત્રીધન પાછું મેળવવા માટે ફૅમિલી કોર્ટ અને કેરલા હાઈ કોર્ટમાં ન્યાય નહીં મળવાથી મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને દિપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે ‘સ્ત્રીધન પતિ અને પત્નીની જૉઇન્ટ પ્રૉપર્ટી બનતી નથી. પતિ આ સોના પર કદી દાવો કરી શકતો નથી. લગ્ન સમયે પિયરથી મહિલાને જે આપવામાં આવે એ સ્ત્રીધન છે અને એ સ્ત્રીની માલિકીનું હોય છે. આ સ્ત્રીધનનો ઉપયોગ પતિ કપરા સમયે કરી શકે, પણ એ ચીજો તેણે પત્નીને ફરી ખરીદી આપવી એ તેની નૈતિક ફરજ છે.’

national news supreme court