દિલ્હી-એનસીઆર, જમ્મુ-કાશ્મીર, ઉત્તર ભારતમાં ધરતીકંપના જોરદાર આંચકા

28 June, 2026 11:36 AM IST  |  Jammu and kashmir | Gujarati Mid-day Correspondent

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં બહુમાળી બિલ્ડિંગો ધ્રૂજ્યાં ઃ હિન્દુકુશ ક્ષેત્રમાં જમીનથી ૨૧૫ કિલોમીટર ઊંડે હતું કેન્દ્રબિંદુ; પાકિસ્તાન અને કાબુલમાં પણ ધરતી ધ્રૂજતાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા

પ્રતીકાત્મક તસવીર

અફઘાનિસ્તાનના હિન્દુકુશ ક્ષેત્રમાં શનિવારે સાંજે ૬.૨ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ અનુભવાયો હતો. ભારતના નૅશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજીના જણાવ્યા અનુસાર શનિવારે સાંજે ૭.૦૪ કલાકે આવેલા આ ભૂકંપના જોરદાર આંચકા ભારતના પાટનગર દિલ્હી-એનસીઆર, જમ્મુ-કાશ્મીર અને ઉત્તર ભારતનાં અનેક રાજ્યોમાં અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વેના અહેવાલ મુજબ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનના જુર્મ શહેરથી ૪૩ કિલોમીટર દક્ષિણમાં જમીનથી ૨૧૫ કિલોમીટરની ઊંડાઈએ આવેલું હતું.

ભૂકંપ એટલો તીવ્ર હતો કે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં બહુમાળી ઇમારતો ધ્રૂજવા લાગી હતી જેના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. રહેવાસીઓ તાત્કાલિક પોતાનાં ઘરો અને ઑફિસોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. આ આંચકાની અસર માત્ર ભારત પૂરતી મર્યાદિત નહોતી, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ તેમ જ ખોસ્ત અને નંગરહાર પ્રાંતમાં પણ ભારે ધ્રૂજારી અનુભવાઈ હતી.

પાકિસ્તાનમાં પણ ધરતી ધ્રૂજી
પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ, રાવલપિંડી, સ્વાત, ચિત્રાલ અને ઉત્તર વઝીરિસ્તાન સહિતના વિસ્તારોમાં પણ ધરતી ધ્રૂજી ઊઠી હતી. 

ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં ઘણું ઊંડું હોવાના કારણે સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિ કે મોટા જાનમાલના નુકસાનના સમાચાર નથી. 

national news new delhi delhi news earthquake jammu and kashmir north india