યુવાનોને કૉક્રૉચ કહેનારાના હાથે ડિગ્રી નહીં લઈએ

10 August, 2026 08:32 AM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદની લૉ યુનિવર્સિટીના કૉન્વોકેશનમાં ચીફ જસ્ટિસને ચીફ ગેસ્ટ બનાવવા પર વિદ્યાર્થીઓ ભડક્યા, કહ્યું... યુવાનોને કૉક્રૉચ કહેનારાના હાથે ડિગ્રી નહીં લઈએ

ચીફ જસ્ટિસ સૂર્યકાંત

હૈદરાબાદની નૅશનલ ઍકૅડેમી ઑફ લીગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચ (NALSAR) યુનિવર્સિટીના ૨૦૨૬ના દીક્ષાંત સમારોહમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જોકે એનો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એનો વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓએ નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG) વિવાદ અને કૉક્રૉચ જનતા પાર્ટીના જંતર મંતર પર વિરોધ-પ્રદર્શન દરમિયાન તાજેતરની ઘટનાઓના સંદર્ભમાં આ વાંધો ઉઠાવ્યો હતો.

૨૦૨૬ બૅચના લગભગ ૪૫૦ વિદ્યાર્થીઓના એક જૂથે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજિસ્ટ્રાર, ફૅકલ્ટી સભ્યો અને પ્રશાસનના અન્ય સભ્યોને પત્ર લખીને ભારતના ચીફ જસ્ટિસને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની વિનંતી કરી છે. જોકે યુનિવર્સિટીએ હજી સુધી સત્તાવાર રીતે દીક્ષાંત સમારોહની જાહેરાત કરી નથી, પરંતુ એ પરંપરા રહી છે કે દરેક દીક્ષાંત સમારોહમાં ચીફ જસ્ટિસ ભાષણ આપે છે.

વિદ્યાર્થીઓએ પત્રમાં લખ્યું છે કે, ‘યુવાનોને કૉક્રૉચ કહેવાથી લઈને પોલીસ દ્વારા બર્બરતા દાખવતા વિડિયો જોવાનો સમય નથી એવા અસંવેદનશીલ વિધાનો કરનારા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાએ અમારા પ્રત્યે ઉદાસીનતા દાખવી છે. એવામાં તેમને આ કૉલેજમાં આમંત્રિત કરવાનું અને તેમના હાથ ડિગ્રીઓ મેળવવાનું અમને શૈક્ષણિક અને ભાવનાત્મક રીતે ઠીક નથી લાગી રહ્યું.’

national news india hyderabad chief justice of india Education neet exam