સાકરમાં હાહાકાર પછી જાગી સરકાર

21 August, 2026 07:07 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

રીટેલમાં ભાવ જઈ પહોંચ્યો ૭૦-૭૫ રૂપિયે કિલો : માલ મોડો આવવાની બીકે ધડાધડ સ્ટૉક થવા માંડ્યો, સરકારે ૧૫ દિવસથી વધુ સ્ટૉક ન કરવાની સૂચના જાહેર કરી

પ્રતીકાત્મક તસવીર

સાકરના ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે અને ૨૦ દિવસમાં કિલોએ ૨૦ રૂપિયા વધી ગયા છે ત્યારે હવે સરકાર સફાળી જાગી છે અને એને કન્ટ્રોલમાં લેવા અનેક પગલાં લેવાયાં છે. જોકે શ્રાવણ માસથી શરૂ થતા તહેવારોના દિવસોમાં સાકર મોંઘી થવાથી મધ્યમવર્ગને મીઠી સાકર કડવી લાગી રહી છે. 

સાકરના વધતા જતા ભાવ અને એને કન્ટ્રોલમાં લેવા શું પગલાં લેવાઈ રહ્યાં છે એ બાબતે ‘મિડ-ડે’ને માહિતી આપતાં ધ બૉમ્બે શુગર મર્ચન્ટ્સ અસોસિએશન લિમિટેડના પ્રેસિડન્ટ અશોક રાણાવત-જૈને કહ્યું હતું કે ‘આ વખતે સીઝન કટોકટ રહી છે. હવે જે માલ આવશે એ ઑક્ટોબરમાં અને નવેમ્બરની શરૂઆતમાં આવશે જે એના નિયમિત શેડ્યુલ કરતાં એક મહિનો મોડો આવશે એટલે હાલ મિલોમાં જે સ્ટૉક છે એ માર્કેટમાં આવી રહ્યો છે. કટોકટ હોવાને લીધે માલની તંગી સર્જાશે એ બીકે બધે જ સ્ટૉક થઈ રહ્યો છે હોલેસલ, રીટેલ અને લોકો પણ ઘરમાં સાકરનો સ્ટૉક કરવા માંડ્યા છે એટલે સપ્લાય સામે ડિમાન્ડ વધતાં ભાવ કૂદકે ને ભૂસકે વધી રહ્યા હતા. અમે ઑલરેડી સરકારને આ બાબતે આ મહિનાની શરૂઆતમાં જ પત્ર લખીને જાણ કરી હતી. અમે સૂચન કર્યું હતું કે જો રૉ સાકરની ડ્યુટી-ફ્રી ઇમ્પોર્ટ કરવાની સરકાર છૂટ આપે તો સાકરના વધતા જતા ભાવને અંકુશમાં લઈ શકાય અને તહેવારોમાં લોકોને ભાવવધારાની મોંઘવારીનો સામનો કરવો ન પડે. સરકારે હવે જઈને એ માટે બુધવારે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન બહાર પાડ્યું છે. સરકારે શુગર મિલોને અને ફૂડ-ઇન્ડસ્ટ્રીની મોટી કંપનીઓને પણ સાકરનો સ્ટૉક ૧૫ દિવસની નિર્ધારિત લિમિટ કરતાં વધુ ન રાખવાની સૂચનાઓ આપી છે. ગઈ કાલે રીટેલમાં સાકરનો ભાવ ૭૦-૭૫ રૂપિયા થઈ ગયો હતો. સરકારના પગલાથી ભાવ હવે વધશે નહીં, પણ ઘટવામાં હજી સમય જશે.’

સાકરના ભાવ પર અંકુશ લાવવા માટે ૧૦ લાખ ટન કાચી સાકરની ડ્યુટી-ફ્રી આયાતને સરકારની મંજૂરી

છેલ્લા દાયકામાં પહેલી વાર સાકરની આયાત કરવી પડશે

તહેવારોની સીઝન પહેલાં દેશમાં સાકરના રેકૉર્ડબ્રેક વધતા ભાવથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કૉમર્સ મિનિસ્ટ્રી દ્વારા બહાર પડાયેલા એક નોટિફિકેશન મુજબ સરકારે ૩૧ ઑક્ટોબર સુધી ૧૦ લાખ ટન કાચી સાકરની ડ્યુટી-ફ્રી આયાત કરવાની મંજૂરી આપી દીધી છે.

વિશ્વમાં સાકરના સૌથી મોટા વપરાશકાર એવા ભારતમાં ઑગસ્ટથી શરૂ થતી તહેવારોની સીઝનમાં મીઠાઈઓ અને બેકરી પ્રોડક્ટ્સને કારણે સાકરની ડિમાન્ડ ચરમસીમાએ પહોંચી જતી હોય છે. જોકે છેલ્લા બે મહિનામાં સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો થતાં પુરવઠો ખોરવાયો હતો, જેના પરિણામે દેશમાં સાકરના ભાવમાં આશરે ૪૦ ટકા જેટલો તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો.
સ્થાનિક બજારમાં સર્જાયેલી આ કટોકટીને પહોંચી વળવા અને ભાવ અંકુશમાં રાખવા માટે ભારતે છેલ્લા લગભગ એક દાયકામાં પ્રથમ વાર સાકરની આયાત કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. નિષ્ણાતોના મતે ભારત સરકારના આ નિર્ણયથી સ્થાનિક બજારમાં રાતોરાત સાકરનો પુરવઠો વધશે અને ગ્રાહકોને રાહત મળશે, જ્યારે બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં સાકરના વૈશ્વિક બેન્ચમાર્ક ભાવમાં પણ ઉછાળો આવી શકે છે.

national news india indian government