લોકોની બૂરી નજરથી પોતાના પાકને બચાવવા ખેતરમાં લગાવાય છે સની લીઓનીનું પોસ્ટર

04 December, 2025 11:09 AM IST  |  Andhra Pradesh | Gujarati Mid-day Correspondent

કર્ણાટક અને આંધ્ર પ્રદેશના ખેડૂતો પોતાના ખેતરના ઊભા પાક પરથી લોકોની બૂરી નજર હટાવવા માટે અનોખો નુસખો વાપરે છે.

ખેતરમાં વચ્ચે સની લીઓનીનું પોસ્ટર

ગામડાંઓમાં આજેય લોકો માને છે કે કોઈકની બૂરી નજરથી તમારું ખરાબ થઈ શકે છે. માત્ર બૂરી નજર માણસ પર જ લાગે છે એવું નહીં, ખેતરમાં લહેરાતા પાક પર પણ લાગી શકે છે એવું મનાય છે. કર્ણાટક અને આંધ્ર પ્રદેશના ખેડૂતો પોતાના ખેતરના ઊભા પાક પરથી લોકોની બૂરી નજર હટાવવા માટે અનોખો નુસખો વાપરે છે. તેઓ ખેતરમાં વચ્ચે સની લીઓનીનું પોસ્ટર લગાવે છે. ખેડૂતો માને છે કે કોઈ સુંદર સ્ત્રીને જોઈને લોકોનું ધ્યાન ભટકી જાય છે અને ખેતરમાં કેટલો પાક છે એ વાતથી ધ્યાન ફંટાઈ જાય છે. એક ખેડૂતનું કહેવું છે કે મેં બે વર્ષ પહેલાં મારા ૧૦ એકરના 
ખેતરમાં પીળા રંગનાં કપડાં પહેરેલી સની લીઓનીનું પોસ્ટર લગાવ્યું હતું અને મને ખૂબ મબલક પાક મળ્યો હતો.

સામાન્ય રીતે મુદાનૂર ગામમાં ખેતરની નજર ઉતારવા માટે કાળું કપડું, લીંબુ-મરચાં અને એના જેવી ચીજો લગાવે છે, પણ કેટલાક ખેડૂતોને સની લીઓનીનું પોસ્ટર લગાવવાથી ફાયદો થયો હોવાનું જણાયા પછી તો હવે આ ટ્રેન્ડ થઈ ગયો છે. પાક સરસ લહેરાય એટલે ખેડૂતો ગ્લૅમરસ કન્યાનું પોસ્ટર લગાવે છે જેથી બૂરી નજરવાળા લોકોનું ધ્યાન બીજે ફંટાઈ જાય.

national news india karnataka andhra pradesh