✕

એક ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે મતદારોને આપ્યો વિશેષ અધિકાર

26 October, 2026 12:11 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ચૂંટણીમાં ઉમેદવાર ઍફિડેવિટમાં ખોટી જાણકારી આપે તો તેની સામે કોર્ટમાં કેસ કરી શકશે મતદાતા

સુપ્રીમ કોર્ટ

દેશની લોકતાંત્રિક વ્યવસ્થા અને મતદારોના અધિકારોને વધુ મજબૂત કરવાની દિશામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો ચૂંટણી લડનાર ઉમેદવાર પોતાની ઍફિડેવિટમાં કોઈ ખોટી માહિતી આપે અથવા જૂઠું બોલે છે તો કોઈ પણ સામાન્ય મતદાર હવે તેને સીધો કોર્ટમાં લઈ જઈને ફોજદારી કાર્યવાહી કરી શકે છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 125-A હેઠળ કોઈ પણ વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ સંપૂર્ણ રીતે સાંભળવાયોગ્ય છે અને ચૂંટણીપંચની મંજૂરી અથવા નો ઑબ્જેક્શન સર્ટિફિકેટની જરૂર નથી.
ન્યાયાધીશ દીપાંકર દત્તા અને શીલ નાગુની બેન્ચે કાયદાની ગૂંચવણો સમજાવતાં સ્પષ્ટ કર્યું હતું કે ‘કલમ 125Aને CrPCની કલમ 195ના અધિકારક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવી છે. તેથી ખોટા ચૂંટણી ઍફિડેવિટના કિસ્સામાં કોઈ પણ નાગરિક અથવા મતદાર સક્ષમ મૅજિસ્ટ્રેટ સમક્ષ વ્યક્તિગત ફરિયાદ દાખલ કરી શકે છે અને કોર્ટ ફરિયાદની નોંધ લેવા માટે સ્વતંત્ર છે.’
સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈ કોર્ટના એ આદેશને સંપૂર્ણપણે રદ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે મતદારને ફક્ત ચૂંટણીઅરજી દાખલ કરવાનો અધિકાર છે, ગુનાની ખાનગી ફરિયાદ દાખલ કરવાનો અધિકાર નથી.

national news supreme court india indian government