હરીશ રાણા આખરે આઝાદ

12 March, 2026 10:23 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

૧૩ વર્ષથી કોમા જેવી હાલતમાં લાઇફ-સપોર્ટ સિસ્ટમ પર જીવતા ૩૨ વર્ષના યુવાન માટે પિતાએ માગેલા ઇચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી, દરદીનો ઉપચાર અટકાવીને થનારા એટલે કે પૅસિવ ઇચ્છામૃત્યુનો દેશનો આ પહેલો કેસ બનશે

દીકરા હરીશની ૩૧મી વર્ષગાંઠ ઊજવી રહેલાં માતા-પિતા.

આશરે ૧૩ વર્ષ પહેલાં પડી ગયા બાદ કોમામાં લાઇફ-સપોર્ટ સિસ્ટમ પર જીવી રહેલા ૩૨ વર્ષના હરીશ રાણાને સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુ પામવાની મંજૂરી આપી છે. દેશમાં કોર્ટ દ્વારા આદેશિત પૅસિવ એટલે કે વ્યક્તિનો ઉપચાર અટકાવીને થનારા ઇચ્છામૃત્યુનો આ પહેલો કેસ છે. પૅસિવ ઇચ્છામૃત્યુની કાયદેસરતાને માન્યતા આપતા ૨૦૧૮ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનાં અનેક પાસાંઓને સ્પષ્ટ કરતો આ ચુકાદો જસ્ટિસ જે. બી. પારડીવાલા અને કે. વી. વિશ્વનાથનની બેન્ચ દ્વારા આપવામાં આવ્યો હતો. જસ્ટિસ જે. બી. પારડીવાલા અને કે. વી. વિશ્વનાથનની બેન્ચે લાંબા સમયથી વેજિટેટિવ સ્ટેટમાં રહેલા ૩૨ વર્ષના હરીશ રાણાની લાઇફ-સપોર્ટ સિસ્ટમને પાછી ખેંચવાની મંજૂરી આપી હતી. કોર્ટે આ આદેશ તેના પિતા દ્વારા દાખલ કરાયેલી અરજી પર આપ્યો હતો, જેમાં પુત્રની લાઇફ-સપોર્ટ સિસ્ટમ પાછી ખેંચવાની પરવાનગી માગવામાં આવી હતી.

આ ચુકાદો એક સીમાચિહ્‌નરૂપ ચુકાદો બની રહેશે, કારણ કે એ પૅસિવ ઇચ્છામૃત્યુ પર ૨૦૧૮ની સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાને આગળ વધારે છે. હરીશ રાણાનો ચુકાદો એવાં પાસાંઓ સ્પષ્ટ કરે છે કે જ્યાં દરદીના જીવનને ફીડિંગ ટ્યુબ દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો હોય એવા કિસ્સાઓમાં પૅસિવ ઇચ્છામૃત્યુ કેવી રીતે લાગુ કરવું જોઈએ, અગાઉના ચુકાદામાં એ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું નહોતું.

વેન્ટિલેટર જેવી લાઇફ-સપોર્ટ સિસ્ટમને પાછી ખેંચવી એ હૉસ્પિટલ સ્તરે શક્ય નહોતું એટલે હરીશ રાણાના કેસમાં પૅસિવ ઇચ્છામૃત્યુ માટે અવરોધ ઊભો થયો હતો.

આ જ કારણને લીધે હરીશ રાણાનાં માતા-પિતાને સુપ્રીમ કોર્ટમાં જવાની ફરજ પાડી હતી. તેમની અરજી વિશે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશમાં હરીશ રાણાને હૉસ્પિટલમાં સારવાર બંધ કરવાની મંજૂરી આપી હતી, જેનાથી ૩૨ વર્ષના હરીશ રાણાને ગૌરવ સાથે મૃત્યુ પામવાની મંજૂરી મળી છે.

ચુકાદો આપતી વખતે જસ્ટિસ કે. વી. વિશ્વનાથને ભાર મૂક્યો હતો કે આવા કેસોમાં માર્ગદર્શક સિદ્ધાંત હંમેશાં દરદીનું કલ્યાણ હોવો જોઈએ, દરદીનું શ્રેષ્ઠ હિત એ એકમાત્ર હિત છે. તેમણે સમજાવ્યું કે જ્યારે દરદી તબીબી સારવાર અંગે જાણકાર નિર્ણય લેવામાં અસમર્થ હોય ત્યારે આ સિદ્ધાંત મહત્ત્વપૂર્ણ બની જાય છે.

તમે દીકરાને તરછોડતા નથી, તેને ગૌરવ સાથે જવા દો છો : હરીશના પિતાને કહ્યું કોર્ટે

આખરી આદેશ આપતાં પહેલાં કોર્ટે દરદીનાં માતા-પિતાની સાથે પણ મુલાકાત કરી હતી. આ અરજી દરદીના પિતા દ્વારા દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ પારડીવાલાએ ગૂંગળામણ અને આંસુઓ સાથે હરીશ રાણાનાં માતા-પિતાને સંબોધતાં કહ્યું હતું કે ‘આ ગહન કરુણા અને હિંમતનું કાર્ય છે. તમે તમારા પુત્રને તરછોડી રહ્યા નથી. તમે તેને ગૌરવ સાથે જવા દો છો. તમે તમારા પુત્ર માટે અસાધારણ પ્રેમ અને સંભાળ દર્શાવી છે. તમારો પરિવાર ક્યારેય તેનાથી દૂર રહ્યો નહીં. કોઈને પ્રેમ કરવાનો અર્થ એ છે કે સૌથી અંધકારમય સમયમાં પણ તેની સંભાળ રાખવી.’

હરીશ રાણાનો કેસ શું છે?

હરીશ રાણા એક સમયે તેજસ્વી અને પ્રતિભાશાળી યુવાન હતો. બિલ્ડિંગના ચોથા માળેથી પડી જવાથી તેનો એક દુ:ખદ અકસ્માત થયો હતો. તેના મગજમાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેને પર્સિસ્ટન્ટ વેજિટેટિવ સ્ટેટ (PVS) અને ૧૦૦ ટકા ક્વાડ્રિપ્લેજિયા (ચારેય અંગોનો લકવો) થયો હતો. છેલ્લાં ૧૩ વર્ષમાં તેની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. તે ફક્ત ક્લિનિકલી ઍડ્મિનિસ્ટર્ડ ન્યુટ્રિશન (CAN) પર જીવી રહ્યો છે. સર્જરી દ્વારા દાખલ કરાયેલી PEG ટ્યુબ દ્વારા તેને ખોરાક આપવામાં આવે છે. CAN પણ એક તબીબી સારવાર છે અને પ્રાથમિક અને માધ્યમિક તબીબી બોર્ડના શ્રેષ્ઠ નિર્ણયના આધારે એને બંધ કરી શકાય છે.’

national news india supreme court delhi news new delhi