05 February, 2026 07:10 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
મેહુલ ચોકસી - ફાઇલ તસવીર
ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના પુત્ર પ્રણવ ચોક્સીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રણવ ચોક્સીની તે અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે ₹937 કરોડના વસૂલાત કેસમાં પક્ષકાર બનાવવાના NSEL (નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ) ના નિર્ણયને પડકાર્યો હતો.
CJI સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચે આ અરજી ફગાવતા મેહુલ ચોક્સીના ફરાર હોવા અંગે કટાક્ષ કર્યો હતો. કોર્ટે પ્રણવના વકીલને પૂછ્યું, "તમારા આદરણીય પિતા આજકાલ ક્યાં છે? આખો દેશ તેમનું રેડ-કાર્પેટ સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છે." પ્રણવ ચોક્સીએ NSEL દ્વારા ₹937 કરોડની વસૂલાત માટે વર્ષ 2015માં દાખલ કરવામાં આવેલા સિવિલ સૂટમાં પોતાને પક્ષકાર બનાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે આ પ્રક્રિયામાં કોઈ હસ્તક્ષેપ કરશે નહીં. NSEL મુજબ પ્રણવ `N K પ્રોટીન્સ` ના શેરહોલ્ડર હોવાથી આ કેસમાં પક્ષકાર છે.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2026માં મેહુલ ચોક્સીના બીજા દીકરા રોહન ચોક્સી પર પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગંભીર આરોપો મૂક્યા હતા. તપાસ એજન્સીએ ટ્રિબ્યુનલ સમક્ષ દાવો કર્યો હતો કે રોહન ચોક્સી મની લોન્ડરિંગના ગુનામાં સક્રિયપણે સામેલ હતો.
EDની તપાસ મુજબ, રોહન ચોક્સી `લસ્ટર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ`માં 99.99 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપનીનો ઉપયોગ ગુનાની કમાણી (Proceeds of Crime) ને વિદેશમાં, ખાસ કરીને સિંગાપોર સ્થિત કંપનીઓમાં ડાયવર્ટ કરવા માટે કરવામાં આવતો હતો. એજન્સીએ દલીલ કરી હતી કે અંદાજે 1.27 લાખ યુએસ ડોલરનો વ્યવહાર સીધો શેલ કંપનીઓ દ્વારા રૂટ કરવામાં આવ્યો હતો. જોકે રોહનનું નામ કોઈ સત્તાવાર FIRમાં નથી, પરંતુ તેની સંપત્તિ ટાંચમાં લેવા પાછળ એજન્સીએ આ પુરાવા રજૂ કર્યા હતા કે તે તેના પિતાના કથિત કૌભાંડમાં સીધો લાભાર્થી હતો.
મેહુલ ચોક્સી ગીતાંજલિ ગ્રુપના સ્થાપક અને પંજાબ નેશનલ બેંક (PNB)ના અંદાજે ₹13,000 કરોડના કૌભાંડના મુખ્ય આરોપી છે. 2018માં આ કૌભાંડ બહાર આવ્યા બાદ તે ભારત છોડીને ભાગી ગયા હતા અને હાલ એન્ટિગુઆમાં વસવાટ કરે છે. ભારત સરકાર લાંબા સમયથી તેના પ્રત્યાર્પણ માટે કાયદાકીય લડત લડી રહી છે. પરંતુ ચોક્સી તબિયતનું બહાનું કાઢીને સતત ધરપકડથી બચી રહ્યો છે.