Supreme Court: રેપ થયો છે કે નહીં તે સાબિત કરવા પ્રાઇવેટ પાર્ટ પર ઇજાના નિશાન જરૂરી કે નહીં?

11 March, 2025 07:01 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Supreme Court: આરોપીને ગુનેગાર ઠેરવતાં અદાલતે જણાવ્યું હતું કે અન્ય પુરાવાઓ આરોપી દ્વારા સગીરા પર બળાત્કાર કરવામાં આવ્યો છે તે વાતને સમર્થન આપે છે

પ્રતીકાત્મક તસવીર

સર્વોચ્ચ અદાલત (Supreme Court)માં ચાલીસ વર્ષ પહેલાંનો એક કેસ ફરી ચર્ચામાં રહ્યો હતો. વાત કૈંક એમ છે કે ચાલીસ વર્ષ પહેલાં એક ટ્યુશન ટીચર દ્વારા સ્કૂલની વિદ્યાર્થિની જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી છેક ચાલીસ વર્ષે સજાને પાત્ર ઠર્યો હતો અને દોષિત ઠેરવાયો હતો.  

આરોપીએ બચવા માટે દલીલ કરી

આરોપીને ગુનેગાર ઠેરવતાં સર્વોચ્ચ અદાલતે (Supreme Court) જણાવ્યું હતું કે અન્ય પુરાવાઓ આરોપી દ્વારા સગીરા પર બળાત્કાર કરવામાં આવ્યો છે તે વાતને સમર્થન આપે છે. પીડિતાના પ્રાઇવેટ પાર્ટ પર ભલે કોઈ ઘા કે ઇજાના નિશાન ન હોય છતાં, અદાલતો આરોપીને દોષિત ઠેરવી જ શકે છે. ત્યારે આરોપીએ દલીલ કરી હતી કે બળાત્કારના આરોપો સાબિત થઈ શક્યા નથી કારણ કે સગીરાના પ્રાઇવેટ પાર્ટ પર કોઈ ઈજાના નિશાન જોવા મળ્યા નહોતા. ત્યારે આરોપીએ પોતાને બચાવવા માટે એવું પણ જુઠ્ઠાણું ચલાવ્યું હતું કે સગીરાના પ્રાઇવેટ પાર્ટ પર કોઈ ઇજાના નિશાન ન હોઇ તે બળાત્કાર થયો હોવાના ખોટા આક્ષેપો કરી રહી છે.

આખરે આરોપીની આ તર્કવિહીન દલીલોને ફગાવી દેતાં જજ સંદીપ મહેતા અને પ્રસન્ના બી. ની બેન્ચે એવો ન્યાય કર્યો હતો કે તબીબી અહેવાલોમાં ભલે સગીરાના પ્રાઇવેટ પાર્ટ પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. પણ, સાથે અન્ય પુરાવાઓને અવગણી શકાય નહીં. 

પીડિતાના શરીર પર ઈજાના નિશાનને જરૂરી ન ગણી શકાય

આ સમયે જજ વરાલેએ (Supreme Court) જણાવ્યું હતું કે, "જરૂરી નથી કે બળાત્કારના દરેક કેસમાં પીડિતાના શરીર પર ઈજાના નિશાન જોવા મળે જ. દરેક કેસ સંજોગો પર આધાર રાખે છે. તેથી, બળાત્કારના આરોપને સાબિત કરવા માટે પીડિતાના શરીર પર ઈજાના નિશાનને જરૂરી ન ગણી શકાય."

તમને જણાવી દઈએ કે આ કેસ વર્ષ 1984નો છે. અને આરોપીને ટ્રાયલ કોર્ટે 1986માં દોષિત ઠેરવ્યો હતો. ત્યારબાદ આ મામલો અલ્હાબાદ હાઈકોર્ટમાં ગયો હતો. ટ્રાયલ કોર્ટને પોતાનો ચુકાદો સંભળાવવામાં 26 વર્ષનો સમય લાગ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં નિર્ણયને સમર્થન આપવામાં બીજા 15 વર્ષ લાગી ગયા. 

કેસ (Supreme Court)ની વાત કરવામાં આવે તો 19 માર્ચ, 1984ના રોજ આરોપી ટ્યૂશન ટીચરે બીજાં બે સ્ટુડન્ટ્સને બહાર મોકલી દઈને સગીર પીડિતાનું જાતીય શોષણ કર્યું હતું. બહાર ગયેલા બે છોકરીઓએ દરવાજો પણ ખખડાવ્યો હતો, પણ આરોપીએ ખોલ્યો નહોતો. આખરે પીડિતાની માતા આવી ત્યારે જઈને મામલો સામે આવ્યો હતો. પીડિત છોકરીના પરિવારે એફઆઈઆર નોંધાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ ધમકી પણ આપી હતી. જોકે, આ ઘટના બન્યાના થોડા દિવસો બાદ એફઆઈઆર નોંધવામાં આવી હતી ખરી.

national news india supreme court Crime News sexual crime Protection of Children from Sexual Offences Act POCSO