06 November, 2025 07:15 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મલ્ટિપ્લેક્સમાં ટિકિટના ઊંચા ભાવ, ૭૦૦ રૂપિયામાં કૉફી અને ૧૦૦ રૂપિયાની પાણીની બૉટલ જેવા ઊંચા ભાવો પર ઊંડી નારાજગી વ્યક્ત કરીને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો સિનેમાહૉલ ખાલી થઈ જશે અને લોકો ફિલ્મો જોવા આવવાનું બંધ કરી દેશે.
મલ્ટિપ્લેક્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા અને અન્યો દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમ્યાન જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે ઉપરોક્ત વાત જણાવીને કર્ણાટક હાઈ કોર્ટના ટિકિટના ભાવને ૨૦૦ રૂપિયા સુધી મર્યાદિત કરવાના નિર્ણય સાથે તેઓ સંમત હોવાનું જણાવ્યું હતું.
સુનાવણી દરમ્યાન જસ્ટિસ નાથે જ્યારે પાણીની બૉટલ અને કૉફીના ભાવનો મુદ્દો જણાવ્યો ત્યારે મલ્ટિપ્લેક્સ અસોસિએશનનું પ્રતિનિધિત્વ કરતા વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે તાજ હોટેલ પણ ૧૦૦૦ રૂપિયામાં કૉફી પીરસે છે, શું તમે ત્યાં ભાવ નક્કી કરશો? આના જવાબમાં ન્યાયાધીશ નાથે કહ્યું હતું કે ‘સિનેમા જોવા જનારા પહેલેથી જ ઘટી રહ્યા છે. જો ભાવ ઘટાડવામાં નહીં આવે તો લોકો આવવાનું બંધ કરી દેશે. સિનેમા ફક્ત શ્રીમંતો માટે મર્યાદિત નહીં પરંતુ તમામ વર્ગો માટે સુલભ હોવું જોઈએ.’
આ મુદ્દે મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે જે લોકો મલ્ટિપ્લેક્સમાં જવા માગતા નથી તેમણે સાદા સિંગલ સ્ક્રીન થિયેટરમાં જવું જોઈએ. આ મુદ્દે કોર્ટે જવાબ આપ્યો હતો કે ‘હવે આવા સિનેમા ક્યાં બાકી છે? ટિકિટના ભાવ ૨૦૦ રૂપિયા નક્કી કરવા એ યોગ્ય દિશામાં એક પગલું છે અને એ લોકોને થિયેટરોમાં પાછા લાવશે.’