શું કલકત્તા હાઈ કોર્ટને જંતરમંતર સમજો છો?

16 January, 2026 10:50 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની ફરિયાદ પર સુપ્રીમ કોર્ટે મમતા બૅનરજીનો લીધો ઊધડો

મમતા બેનર્જી

એજન્સીની કાર્યવાહી દરમ્યાન મહત્ત્વના દસ્તાવેજો ઉપાડી જઈને પ્રક્રિયામાં અવરોધ પહોંચાડવા બદલ પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ આપીને બે અઠવાડિયામાં જવાબ માગ્યો સુપ્રીમ કોર્ટે  

પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટની કાર્યવાહી દરમ્યાન મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ હસ્તક્ષેપ કરીને મહત્ત્વના દસ્તાવેજો ઉઠાવીને લઈ જવાનો કેસ દેશની સર્વોચ્ચ અદાલતમાં ગઈ કાલે ગરમાયો હતો. આ મુદ્દે કલકત્તા હાઈ કોર્ટમાં તૃણમૂલ કૉન્ગ્રેસ દ્વારા થયેલા હંગામા વિશે સૉલિસિટર જનરલે કહ્યું હતું કે TMCએ કઈ રીતે વૉટ્સઍપ મેસેજ કરીને વકીલોની ભીડ એકઠી કરી અને કલકત્તા હાઈ કોર્ટની કાર્યવાહીમાં અવરોધ પેદા કર્યો હતો. એના જવાબમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પ્રશાંત મિશ્રા અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે કહ્યું હતું કે ‘આ બેહદ ગંભીર વાત છે. શું હાઈ કોર્ટને જંતરમંતર સમજી લીધું છે કે? કોર્ટ આ બાબતે નોટિસ બહાર પાડવાનું વિચારી રહી છે.’

મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ EDની રેઇડ દરમ્યાન ત્યાં આવીને દસ્તાવેજો લઈ લીધા હતા એ મુદ્દે સુપ્રીમ કોર્ટે આ ગંભીર આરોપ છે એમ કહીને બંગાળ સરકારને નોટિસ આપીને બે અઠવાડિયાંમાં જવાબ આપવા કહ્યું હતું. 

૮ જાન્યુઆરીએ કલકત્તામાં EDએ ઇન્ડિયન–પૉલિટિકલ ઍક્શન કમિટી (I-PAC)ની ઑફિસ પર રેઇડ પાડી ત્યારે મમતા બૅનરજી ત્યાં જબરદસ્તી ઘૂસી ગયાં હતાં. બીજા દિવસે તેમણે EDએ પાર્ટીના સીક્રેટ દસ્તાવેજો લઈ લીધા હોવાની ફરિયાદ કરી હતી. EDએ આ મુદ્દે મુખ્ય પ્રધાન અડચણ ઊભી કરી રહ્યાં હોવાની અરજી કલકત્તા હાઈ કોર્ટમાં કરી હતી. TMCના કાર્યકરોએ કલકત્તા હાઈ કોર્ટમાં હંગામો મચાવીને કાર્યવાહી નહોતી થવા દીધી. 

મમતા બૅનરજીનો જવાબ

મમતા બૅનરજીના વકીલે ગઈ કાલે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ‘૮ જાન્યુઆરીએ I-PACની ઑફિસ પર મમતા બૅનરજી ગયાં હતાં કેમ કે તેમને માહિતી મળી હતી કે કેટલાક અનધિકૃત લોકો ઑફિસમાં આવી ગયા છે. તેઓ એ વખતે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન તરીકે નહોતાં ગયાં.’ 

national news mamata banerjee west bengal trinamool congress enforcement directorate supreme court