ક્રૉક્રૉચ જનતા પાર્ટી સામેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડી

26 May, 2026 09:32 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ક્રૉક્રૉચ જનતા પાર્ટી સામેની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની સુપ્રીમ કોર્ટે ના પાડીને કહ્યું... આ કોઈ ઇમર્જન્સી સ્થિતિ નથી, એના માટે બહુ ભાવુક થવાની જરૂર નથી

અભિજિત દીપકે

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) સામે વકીલ રામ ચૌધરીએ સુપ્રીમ કોર્ટમાં કરેલી જનહિતની અરજીની તાત્કાલિક સુનાવણી કરવાની ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે ના પાડી દીધી હતી. તેમણે અરજીકર્તાને કહ્યું હતું કે ‘આ મુદ્દાને આટલી ભાવુકતાથી લેવાની જરૂર નથી. હાલમાં આ કોઈ ઇમર્જન્સી સ્થિતિ નથી લાગતી કે એમાં તત્કાળ હસ્તક્ષેપ કરવાની જરૂર પડે.’ 

અરજીકર્તા તરફથી વકીલ એન. કે. ગોસ્વામીએ ગઈ કાલે ચીફ જસ્ટિસ સામે અરજી કરીને કહ્યું હતું કે ‘કૉક્રૉચ જનતા પાર્ટી નામના ઑનલાઇન અભિયાનથી ન્યાયપાલિકાની છબિ ખરાબ થઈ રહી છે અને અદાલતમાં થયેલી ટિપ્પણીઓ કે કાર્યવાહીનો વ્યક્તિગત અને પ્રોફેશનલ લાભ પામવાના હેતુથી દુરુપયોગ થઈ રહ્યો છે. આ ભારતની ન્યાયિક પ્રક્રિયાની ગરિમા વિરુદ્ધની વાત છે.’ 
આ મુદ્દે જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું હતું કે ‘અમે આ મામલા પર નજર રાખી રહ્યા છીએ અને યોગ્ય સમય આવ્યે એના પર વિચાર કરીશું.’

અભિજિત દીપકેએ દિલ્હી હાઈ કોર્ટના દરવાજા ખટખટાવીને પૂછ્યું...કેમ કૉક્રૉચ જનતા પાર્ટીનું X અકાઉન્ટ બ્લૉક કરવામાં આવ્યું?

એક તરફ સુપ્રીમ કોર્ટે આ મામલાને અત્યારે બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી એવું કહ્યું છે ત્યારે કૉક્રૉચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકેએ કેન્દ્ર સરકારની નીયત પર સવાલ ઉઠાવતી અરજી દિલ્હી હાઈ કોર્ટમાં કરી છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે આ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ગઈ કાલે અભિજિત દીપકેએ દિલ્હી હાઈ કોર્ટમાં રિટ પિટિશન કરીને આ નિર્ણયને પડકાર્યો હતો. આ રિટ પિટિશન વકીલ નકુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવી છે. આ મામલે ૨૭ મેએ સુનાવણી થઈ શકે છે. 

અભિજિત દીપકેએ કૉક્રૉચ જનતા પાર્ટીને વ્યંગાત્મક મંચ બતાવીને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પ્રતિબંધ લગાવવાની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યો છે. તેનું કહેવું છે કે અકાઉન્ટના ફૉલૉઅર્સ અને આ આંદોલન ખૂબ ગતિથી આગળ વધી રહ્યું હતું એટલે કદાચ સરકાર ડરી ગઈ છે. 

national news india political news indian politics social media social networking site supreme court delhi high court