સ્ટ્રે ડૉગ્સને કારણે દેશની છબિ વિદેશમાં ખરાબ થઈ રહી છે

28 October, 2025 07:01 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

રખડુ કૂતરાઓ બાબતે જરૂરી પગલાં ન લેવા બદલ તમામ રાજ્યોને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવીને કહ્યું...

પ્રતીકાત્મક તસવીર

બાવીસમી ઑગસ્ટના આદેશ મુજબ જે રાજ્ય સરકારોએ હજી સુધી રિપોર્ટ નથી આપ્યો એ તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીઓને ત્રીજી નવેમ્બરે હાજર રહેવાનો નિર્દેશ

દેશભરમાં રખડુ કૂતરાઓના કરડવાની લગાતાર વધતી જતી ઘટનાઓ સામે પગલાં લેવામાં રાજ્ય સરકારના નિષ્ક્રિય વલણ પર સુપ્રીમ કોર્ટે ગઈ કાલે નારાજગી જતાવી હતી. કોર્ટે રખડુ શ્વાનોની સમસ્યા દૂર કરવા માટે બાવીસમી ઑગસ્ટે જાહેર કરેલા આદેશના પાલન માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઍફિડેવિટ દાખલ કરવાનો ‌નિર્દેશ કર્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન. વી. અંજારિયાની વિશેષ બેન્ચે કહ્યું હતું કે ‘કૂતરાઓના કરડવાની ઘટનાઓ લગાતાર થઈ રહી છે અને દેશની છબિ વિદેશમાં ખરાબ થઈ રહી છે. આ આદેશ તમામ રાજ્યોને આપવામાં આવ્યો હતો અને મીડિયામાં પણ એના ન્યુઝ આવ્યા હતા. એમ છતાં તેલંગણ, પશ્ચિમ બંગાળ અને દિલ્હી નગર નિગમે જ કાર્યવાહીના રિપોર્ટની ઍફિટેવિટ આપી છે. બાકીનાં કોઈ રાજ્યોએ કોઈ રિપોર્ટ આપ્યો નથી કે તેમણે ઍનિમલ બર્થ કન્ટ્રોલ નિયમન માટે કયાં કદમ ઉઠાવ્યાં છે.’

બાવીસમી ઑગસ્ટે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘રખડુ કૂતરાઓને પકડીને એમની નસબંધી અને વૅક્સિનેશન કરીને જ્યાંથી ઉઠાવ્યા હતા ત્યાં જ છોડી દેવામાં આવે. હડકવાથી સંક્રમિત અને આક્રમક વર્તણૂક કરતા કૂતરાઓને શેલ્ટર હોમમાં જ રાખવામાં આવે.’

સોમવારે ૩ જજની બેન્ચે તમામ રાજ્યોના ચીફ સેક્રેટરીને ત્રીજી નવેમ્બરે હાજર રહેવાનો નિર્દેશ કર્યો હતો અને અત્યાર સુધીમાં કેમ રિપોર્ટ નથી આપી શક્યા એનું કારણ જણાવવા કહ્યું હતું.

national news india delhi news new delhi supreme court indian government