કસ્ટડીમાં આરોપીનું મૃત્યુ થાય એ આપણી સિસ્ટમ પર કલંક, દેશ આ સહન નહીં કરે

27 November, 2025 09:09 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પોલીસ-સ્ટેશનોમાં CCTV કૅમેરા લગાવવામાં નિષ્ફળતા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઠપકો આપીને કહ્યું...

સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર સરકારને તમામ પોલીસ-સ્ટેશનોમાં ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લગાવવામાં નિષ્ફળ રહેવા બદલ સખત ઠપકો આપ્યો હતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારો બન્ને સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે બધી સરકારો ૨૦૨૦ના નિર્ણયનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. પોલીસ-સ્ટેશનોમાં CCTV કૅમેરાના અભાવ વિશે જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટને ખૂબ હળવાશથી લઈ રહી છે અને તેથી એના અગાઉના આદેશોનું પાલન કરતું ઍફિડેવિટ પણ દાખલ કર્યું નથી. કસ્ટોડિયલ હિંસા અને મૃત્યુ સિસ્ટમ પર એક કલંક છે અને દેશ એને સહન કરશે નહીં. આપણે કસ્ટડીમાં કોઈનું મૃત્યુ થવા દેવું જોઈએ નહીં.’

સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ‘કોઈ પણ કસ્ટોડિયલ ડેથને ન્યાયી ઠેરવી શકે નહીં અથવા એને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ પણ કરી શકે નહીં. કોઈ પણ કોર્ટને હળવાશથી લઈ શકે નહીં. કેન્દ્ર ૩ અઠવાડિયાંમાં પાલન સોગંદનામું દાખલ કરશે.’

સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે એક મીડિયા રિપોર્ટ પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે ૨૦૨૫ના પહેલા ૮ મહિનામાં રાજસ્થાનમાં પોલીસ-કસ્ટડીમાં ૧૧ લોકોનાં મોત થયાં હતાં. આમાંથી ૭ કેસ ઉદયપુર વિભાગના હતા. એક અલગ કેસમાં સુપ્રીમ કોર્ટે ૨૦૧૮માં માનવઅધિકારોના ઉલ્લંઘનને રોકવા માટે પોલીસ-સ્ટેશનોમાં CCTV કૅમેરા લગાવવાનો આદેશ આપ્યો હતો. 

આગામી સુનાવણી ૧૬ ડિસેમ્બરે

બેન્ચને જાણ કરવામાં આવી હતી કે સુઓ મોટો કેસમાં ફક્ત ૧૧ રાજ્યોએ ઍફિડેવિટ દાખલ કર્યાં હતાં. કોર્ટે એવાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ૩ અઠવાડિયાંનો સમય આપ્યો છે જેમણે હજી સુધી ઍફિડેવિટ દાખલ કર્યાં નથી અને આ મામલાની સુનાવણી ૧૬ ડિસેમ્બરે નક્કી કરી છે. જો બાકીનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરોક્ત તારીખ સુધીમાં ઍફિડેવિટ દાખલ કરે તો રાજ્યના ગૃહસચિવોને તેમના સંબંધિત ખુલાસા સાથે કોર્ટમાં હાજર થવું પડશે.

national news india supreme court indian government Crime News