29 December, 2025 03:17 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટ (ફાઈલ તસવીર)
સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળા વિવાદની નોંધ લીધી, આજે ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ સુનાવણી કરશે
અરવલ્લી પર્વતમાળાના વિવાદના મુદ્દે હવે સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે, ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચ આજે આ મામલાની સુનાવણી કરશે. કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીથી ગુજરાત સુધીના અરવલ્લી રેન્જમાં નવા ખાણકામ લીઝ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના આદેશ બાદ આ સુનાવણી થવાની છે. કેન્દ્ર સરકારે પુનરુચ્ચાર કર્યો છે કે હાલની ખાણોએ પર્યાવરણીય સલામતી અને સુપ્રીમ કોર્ટના આદેશોનું કડક પાલન કરવું જોઈએ.
અરવલ્લી પર્વતોમાં ખાણકામ સંબંધી મામલાની સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની ત્રણ જસ્ટિસની બેન્ચ સુઓ મોટો કેસની સુનાવણી કરશે. ભૂતપૂર્વ વન સંરક્ષણ અધિકારી આર. પી. બલવાને પણ આ મુદ્દાના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી છે.
સુપ્રીમ કોર્ટના સુઓ મોટો સંજ્ઞાન લેવાના નિર્ણયથી પર્યાવરણીય કાર્યકરો અને ૨૦ નવેમ્બરના ચુકાદા વિશે ચિંતિત લોકોમાં આશા જાગી છે. આ મામલે કોર્ટના વલણમાં સકારાત્મક પરિવર્તનની અપેક્ષા છે.
ઉત્તર પ્રદેશની સ્કૂલોમાં પ્રાર્થના બાદ હવે ન્યુઝપેપર વાંચવાં ફરજિયાત
ઉત્તર પ્રદેશ સરકારે સ્કૂલોમાં એક નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમ હેઠળ હવે બધી સરકારી અને માધ્યમિક સ્કૂલોમાં પ્રાર્થના પછી ન્યુઝપેપર વાંચવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. એનો હેતુ શિક્ષણમાં સુધારો કરવાનો, વાંચવાની ટેવ વિકસાવવાનો અને જનરલ નૉલેજ (GK) સુધારવાનો છે.
બાળકોના સતત વધતા જતા સ્ક્રીન-સમયને ઘટાડવા માટે આ નિર્ણય મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. સ્કૂલોમાં હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષામાં ન્યુઝપેપર પૂરાં પાડવામાં આવશે. આ પહેલનો હેતુ બાળકોને ફક્ત પુસ્તકિયું જ્ઞાન નહીં, પણ અભ્યાસના દરેક ક્ષેત્ર સાથે જોડવાનો છે.
મૂળભૂત અને માધ્યમિક શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ પાર્થસારથિ સેન શર્માએ આ નવા નિયમની માહિતી આપતો આદેશ જાહેર કર્યો છે. જાહેર કરાયેલી માહિતી અનુસાર સ્કૂલોમાં ન્યુઝપેપર-વાંચન માટે સવારની પ્રાર્થના પછી ૧૦ મિનિટનો સમય ફાળવવામાં આવશે.
દિલ્હીમાં નવા વર્ષ પહેલાં પોલીસનું ઑપરેશન આઘાત : મોટા પાયે શસ્ત્રો અને ડ્રગ્સ જપ્ત, ૨૮૫ લોકોની ધરપકડ
નવા વર્ષની ઉજવણી પહેલાં સંગઠિત ગુનાખોરીને ડામવા માટે દિલ્હી પોલીસે સમગ્ર રાષ્ટ્રીય રાજધાનીમાં ઑપરેશન આઘાત ચલાવ્યું હતું. રાતોરાત કાર્યવાહી હાથ ધરીને પોલીસે શસ્ત્રો, ડ્રગ્સ અને રોકડ રકમ જપ્ત કરી હતી. આ કાર્યવાહી ઑપરેશન આઘાત 3.0 હેઠળ કરવામાં આવી હતી. પોલીસે એક્સાઇઝ ઍક્ટ, નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ (NDPS) ઍક્ટ અને જુગાર ઍક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ ૨૮૫ લોકોની ધરપકડ કરી હતી.
દિલ્હી પોલીસે સાઉથ-ઈસ્ટ જિલ્લામાંથી પ્રિવેન્ટિવ પગલા હેઠળ ૫૦૪ વ્યક્તિઓને અટકાયતમાં લીધી હતી. ૧૧૬ બૅડ કૅરૅક્ટર્સ (BC)ની ધરપકડ કરવામાં આવી હતી અને ૧૦ પ્રૉપર્ટી-ગુનેગારો તથા પાંચ ઑટોરિક્ષા ચોરી કરનારાઓની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે ૨૧ દેશી પિસ્તોલ, ૨૦ જીવંત કારતૂસ અને ૨૭ છરી જપ્ત કરી હતી. ૧૨,૨૫૮ ક્વૉર્ટર ગેરકાયદે દારૂની અને ૬.૦૧ કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે જુગારીઓ પાસેથી ૨,૩૦,૯૯૦ રૂપિયા જપ્ત કર્યા હતા. એ ઉપરાંત ૩૧૦ મોબાઇલ ફોન, ૨૩૧ ટૂ-વ્હીલર અને ૧ ફોર-વ્હીલર જપ્ત કરવામાં આવી હતી. નિવારક પગલા હેઠળ ૧૩૦૬ વ્યક્તિઓની ઊલટતપાસ કરવામાં આવી હતી.